અમદાવાદથી લંડન સહિતની ચાર ફ્લાઈટ મોડી પડી

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં બદલાયેલા વાતાવરણ તેમજ અન્ય કારણસર અમદાવાદથી મુંબઈ થઈને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સવા ત્રણ કલાક જેટલી મોડી ઉપડી હતી. ગત રાતના અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર અાવ્યો હતો, જેના કારણે કમોસમી વરસાદ તેમજ અનેક સ્થળે કરા પડ્યા હતા.

અા અચાનક હવામાનમાં અાવેલા પલટાને કારણે અમદાવાદથી જતી-અાવતી ફ્લાઈટને અસર પડી હતી, જેમાં અમદાવાદથી મુંબઈ થઇને લંડન જતી એર ઈન્ડિયાની એઅાઈ ૧૩૧ નંબરની ફ્લાઈટ સવા ત્રણ કલાક મોડી ઉપડી હતી. અાવી જ રીતે અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની ૬ઈ-પ૧૮ નંબરની ફ્લાઈટ પણ અઢી કલાક કરતાં વધુ સમય મોડી ઉપડી હતી, જ્યારે અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની એસજી-૧૯૪ નંબરની ફ્લાઈટ પા કલાક અને અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની એઅાઈ-૬૧૪ નંબરની ફ્લાઈટ અડધો કલાક કરતાં વધુ સમય મોડી ઉપડી હતી.

અા ઉપરાંત દુબઈથી અમદાવાદ અાવતી એમિરેટ્સની ઈકે-પ૩૮ નંબરની ફ્લાઈટ એક કલાક જેટલો સમય મોડી અાવી હતી, જેના કારણે અમદાવાદથી દુબઈ જતી એમિરેટ્સની ઈકે-પ૩૯ નંબરની ફ્લાઈટ અડધો કલાક મોડી ઉપડી હતી. જ્યારે દિલ્હીથી અમદાવાદ અાવતી સ્પાઈસ જેટની એસજી-૧૯પ ફ્લાઈટ પા કલાક મોડી અાવી હતી. અામ, અમદાવાદ સહિત રાજ્યના હવામાનમાં અાવેલા પલટાના કારણે અમદાવાદથી અાવતી-જતી અડધો ડઝન જેટલી ફ્લાઈટને અસર પડી છે.

You might also like