શહેરમાં ૧૫ ઘરફોડ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો

અમદાવાદ: દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતી દાહોદિયા ગેંગના મુખ્ય સૂત્રધારની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ગેંગે અમદાવાદમાંથી ૧પ જેટલી ઘરફોડ ચોરીઓ આચરી છે જ્યારે અન્ય શહેરમાંથી પણ ઘરફોડ ચોરીઓ કરી કુલ પ૦ જેટલી ઘરફોડ કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે તેની પાસેથી એક સોનાની ચેઇન કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

શહેરમાં સતત ઘરફોડ ચોરીનાં બનાવો વધતાં ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાનમાં પી.એસ.આઇ. આર.આર. સુવેરાની ટીમને મળેલી બાતમીના આધારે વિનુ ભાભોર (રહે. ખજૂરિયા, દાહોદ)ને ઝડપી પાડયો હતો. આજ રોજ વિનુની પૂછપરછ કરતાં તેઓની ચારથી પાંચ લોકોની ગેંગ હોય છે તેઓ દાહોદથી અન્ય શહેરોમાં જતાં અને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતાં હતાં બાદમાં રાત્રીના સમયે તેઓ ઘરમાં ત્રાટકી ચોરી કરતાં હતાં.

પી.એસ.આઇ. આર.આર. સુવેરાએ જણાવ્યું હતું કે આ ગેંગ મોટાભાગે બંધ મકાનોને જ ટાર્ગેટ કરે છે. ગેંગમાં મુખ્ય સૂત્રધાર વિનુની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ગાંધીનગર, આંણદ, અસલાલી, નડિયાદ, ખેડા વગેરે જગ્યાએ ચોરીઓ કરી છે. હાલમાં તેઓએ પ૦ જેટલી ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. બાકીની ચોરીઓનાં ભેદ ઉકેલાય તેવી શક્યતા જણાઇ રહી છે.

You might also like