VIDEO: શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોપડાંને બદલે પકડાવ્યાં પાવડાં

અમદાવાદઃ શહેરનાં દસક્રોઈ તાલુકામાં આવેલા એણાસણ ગામમાં બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે. દસક્રોઈમાં આવેલ એક શાળામાં બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું. એણાસણ ગામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

જેમાં વિદ્યાર્થીઓનાં હાથમાં પુસ્તકનાં સ્થાને પાવડા પકડાવતા નજરે જોવાં મળી રહ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓનાં હાથમાં પાવડો દેખાઈ રહ્યો છે અને પાવડા દ્વારા વિદ્યાર્થીઓ માટી ભરી રહ્યાં છે.

આ વીડિયોમાં 6થી 7 વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યાં છે. જેમાં શિક્ષક પણ સાથે ઉભા રહીને આ કાર્ય કરાવતા નજરે પડી રહ્યાં છે. ત્યારે સવાલ એ પણ છે કે જે વિદ્યાર્થીઓનાં હાથમાં પુસ્તક હોવાં જોઈએ તે વિદ્યાર્થીઓનાં હાથમાં પાવડા શા માટે પકડાવવામાં આવે છે. શું આવી રીતે શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે?

આ મામલે શાળાનાં આચાર્ય ગૌરાંગ કોરડેએ એવી કબૂલાત કરી છે કે વીડિયો અમારી શાળાનો જ છે પરંતુ અમારી શાળામાં સફાઈનું કામ કરાવવામાં આવતું નથી. બાળકોને પ્રવૃતિમય શિક્ષણ માટે આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ પ્રવૃતિ ઈકો ક્લબ બનાવવા માટે પરિપત્ર અનુસાર કરાવવામાં આવે છે.

બાળકો પર્યાવરણ શિક્ષણ મેળવે તે માટે ઈકો ક્લબ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ માત્ર વૃક્ષોમાં ખાતર નાખવાની પ્રવૃત્તિ કરતાં હતાં. તો આ જ મામલે ગામનાં સરપંચે કહ્યું કે, જો કોઈ ભારે કામ હોય તો મજૂર જોડે કરાવવું જોઈએ પરંતુ આ કામ કોઈ જ ભારવાળું નથી માટે આ કામ બાળકો પાસે કરાવ્યું હશે. આ બાળકો વૃક્ષોમાં ખાતર નાંખવાનું કામ કરતાં હતાં. તે સફાઈ કરતા શિક્ષણ અગત્યનું છે.

You might also like