સ્માર્ટ સિટીઃ મ્યુનિ. ‘સ્માર્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ વિકસાવશે

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને રૂ.૨૯૪ કરોડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ફાળવાયા છે. અમદાવાદનો કેન્દ્રનાં સ્માર્ટ સિટી મિશનની યાદીમાં સમાવેશ થયા બાદ તંત્ર દ્વારા સ્માર્ટ સિટી માટે સ્વતંત્ર કંપનીની સ્થાપના પણ કરાઈ છે. જોકે હવે આ કંપનીને આર્થિક રીતે સદ્ધર થવાથી કોર્પોરેશનના સત્તાવાળાઓ એએમટીએસ અને બીઆરટીએસને સાંકળતી સ્માર્ટ સિસ્ટમને વિકસિત કરવા પર ભાર મૂકશે.

આમ તો ગત તા.૨૮ માર્ચ, ૨૦૧૬એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિ. કંપનીનું રજિસ્ટ્રેશન કરાયું છે. આ કંપનીના ચેરમેન અને સીઈઓ મ્યુનિ. કમિશનર ડી.થારા છે તેમજ કંપનીના દસ સભ્યોમાં શહેરના મેયર ગૌતમ શાહ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલનો પણ સમા‍વેશ થાય છે અન્ય સભ્યો તરીકે કંપનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ છે. ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરી ખાતે આ કંપનીની ઓફિસ ધમધમે છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિ. કંપનીને ગઈ કાલે રૂ.૨૯૪ કરોડનું ફંડ મળ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્યની નાણાકીય મદદનો સમાવેશ થાય છે.

ઈ-ગર્વનન્સનો હવાલો સંભાળતાં આસિ. મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ કહે છે, સ્માર્ટ સિટી મિશન હેઠળ કોર્પોરેશન હવે પોતાનાં ઓપ્ટિકલ ફાઈબર સહિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્માર્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ વિકસિત કરશે. સ્માર્ટ ટ્રાન્ઝિટમાં ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) પ્રણાલી ઊભી કરાશે. આઈટીએમએસ સિસ્ટમ એએમટીએસ અને બીઆરટીએસને આપસમાં સાંકળીને શહેરીજનોને સ્માર્ટ ટ્રાન્ઝિટ સર્વિસ પૂરી પાડશે.

ઈ-ગર્વનન્સનો હવાલો સંભાળતાં આસિ. મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ વધુમાં કહે છે, કોર્પોરેશનની તમામ વોર્ડ તેમજ ઝોનલ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક શાળાઓ, બિલ્ડિંગોને લિઝડ લાઈનથી સાંકળી લેવાઈ છે. ટ્રાફિક સર્વેલન્સ હેતુ વિભિન્ન જગ્યાએ કાર્યરત કરાયેલા સીસીટીવી કેમેરા પણ લિઝડ લાઈનથી સંકળાયેલા છે. તંત્ર દ્વારા લિઝડ લાઈન સેવા પૂરી પાડતા બીએસએનએલ જેવી સંસ્થાઓને ચાર્જ ચૂકવવામાં આવે છે પરંતુ હવે કોર્પોરેશન પોતાનું ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ઊભું કરશે. જેના કારણે આ તમામ સેવા નાગરિકોને વધુ ઝડપી અને કાર્યક્ષમ રીતે મળી રહેશે.

સ્માર્ટ સિટી મિશન હેઠળ કોર્પોરેશનની તમામ સેવાઓને સાંકળતા સ્માર્ટ કાર્ડનો પ્રોજેક્ટ અને હાઉસિંગનો પ્રોજેક્ટ હાલમાં હાથ ધરાયો છે પરંતુ આ બંને પ્રોજેક્ટ પીપીપી ધોરણે હોઈ તેમાં કોર્પોરેશનને એક રૂપિયાનું મૂડી રોકાણ કરવાની જરૂર નથી.

You might also like