વિશ્વનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલઃ રિવરફ્રન્ટ અને નિકોલમાં ઊભાં કરાશે ફૂડ સ્ટોલ

અમદાવાદઃ શહેરમાં આગામી તા.૧૭થી રર જાન્યુઆરી સુધી દેશનો સૌથી મોટો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેમાં નાગરિકોને શોપિંગનો અનોખો અનુભવ થવા ઉપરાંત રૂ.૧૦ કરોડ સુધીનાં ઇનામોનો લકી ડ્રો જીતવાનો મોકો મળશે. આ ઉપરાંત શહેરીજનો રિવરફ્રન્ટ અને નિકોલમાં ખાણીપીણીની લિજ્જત સાથે શોપિંગ ફેસ્ટિવલ માણી શકશે.

વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ યોજાનારા આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ માટે બહોળા પ્રમાણમાં ગ્રાહકો વધારીને તમામ માટે સરખા પ્રમાણમાં આર્થિક તકો ઊભી કરવાની છે. અત્યારે ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ લોકોમાં વધ્યો હોઇ તેનાં કારણે સ્થાનિક વેપાર પર માઠી અસર પણ પડી છે. શોપિંગ ફેસ્ટિવલમાં એકસાથે પ,૦૦૦થી વધુ બ્રાન્ડનાં શોપિંગ અને લકી ડ્રોના ઇનામ ગ્રાહકોને આકર્ષિત કરશે.

આગામી તા.૧૭ જાન્યુઆરીએ સાંજે ૬-૩૦ વાગ્યે રિવરફ્રન્ટનાં વલ્લભ સદન ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ગ્રાન્ડ ઓપનિંગ કરાશે તેમજ આ સ્થળે ખાણી-પીણીના ૧પ સ્ટોલ ધરાવતી ફૂડ કોર્ટ ઊભી કરાશે. રિવરફ્રન્ટ ઉપરાંત નિકોલમાં પણ ડી-માર્ટ સામેનાં ખુલ્લા મેદાનમાં ખાણી-પીણીનાં ૧પ સ્ટોલ ધરાવતી ફૂડ કોર્ટ બનાવાશે.
આમ, આ બંને સ્થળોએ લોકો ફૂડ કોર્ટનો આનંદ લેતાં લેતાં ખરીદીનો પણ લહાવો લઇ શકશે.

You might also like