અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઇન્ડ તૌકીર બ્લાસ્ટ પહેલાં જતો રહ્યો હતો રાંચી

અમદાવાદ: ર૬ જુલાઇ, ર૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના માસ્ટર માઇન્ડ અને ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીરની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થયા છે.

અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દસ દિવસ પહેલાં અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર રાંચી જતો રહ્યો હતો, જ્યાં તે એક મકાનમાં બેઠો બેઠો ન્યૂઝ ચેનલ મારફતે અમદાવાદ બ્લાસ્ટની તમામ વિગતો સમાચાર મારફતે મેળવતો હતો, જ્યારે સુરતમાં બ્લાસ્ટ નહીં થતાં તે નારાજ પણ થયો હતો. અમદાવાદ બ્લાસ્ટ અને દિલ્હીમાં બ્લાસ્ટ કરાવ્યા બાદ તૌકીર ભટકલબંધુઓ પાસે પાકિસ્તાન જતાં રહેવાની ફિરાકમાં હોવાનું પણ સુરક્ષા એજન્સીઓ સામે આવ્યું છે.

અમદાવાદમાં ર૬ જુલાઇ, ર૦૦૮ના રોજ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યા પહેલાં ૧૬ જુલાઈ, ર૦૦૮ના રોજ અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર અમદાવાદ છોડી ફરાર થઈ ગયો હતો. અમદાવાદ અને સુરત બ્લાસ્ટની જવાબદારી તેણે કયામુદ્દીન કાપડિયાને સોંપીને તે ઝારખંડના રાંચી પહોંચી ગયો હતો.

રાંચી પહોંચ્યા બાદ તે પહેલાં દાનિશ અશફાકના ઘરે રોકાયો હતો. દાનિશના ઘરે હતો ત્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેના સમાચાર તેણે ટીવી ચેનલમાં જોયા હતા. ગુજરાત બાદ દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનો હતો, જેથી તે આઝમગઢ મોડ્યુલના સંપર્કમાં હતો, પરંતુ પોલીસે આતંકી મુફ્તી બશરની ધરપકડ કરી લીધી હતી, જેના માટે તેણે આઝમગઢ મોડ્યુલના નવા યુવકો આતિફ અમીન અને મોહંમદ સાજિદને બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપી હતી. ૧૩ સપ્ટેમ્બરના રોજ આતીફ અમીન અને મોહંમદ સા‌િજદે તૌકીરના આદેશ અનુસાર દિલ્હીમાં બ્લાસ્ટ કરાવ્યા હતા.

દિલ્હીના બ્લાસ્ટ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરતાં તે રાંચી છોડી ફરાર થઈ ગયો અને ત્યાર બાદ તે ગુલામ સર્વર પાસે ગયો હતો, પરંતુ ગુલામ સર્વરે તૌકીરની મદદ કરવાની ના પાડી દીધી હતી. ગુલામ સર્વરે મદદ કરવાની ના પાડી દેતાં તૌકીર ગયાથી છપરા પહોંચી ગયો હતો, જ્યાં હાસીબ રઝાએ તેને છપરામાં એક મદરેસામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

You might also like