અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ફરાર આતંકી કેરળથી ઝડપાયો

728_90

અમદાવાદ: વર્ષ ર૦૦૮માંં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બની ચિપ લાવનાર આતંકી શોએબની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કેરળમાં છુપાયો હોવાની બાતમીને આધારે ટીમે શોએબની ધરપકડ કરી તેને અમદાવાદ ખાતે લઇ આવી હતી. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ર૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પ૬ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ર૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર કાવતરા અને બોમ્બ બ્લાસ્ટની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને બાતમી મળી હતી કે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી શોએબ પોટ્ટાનિકલ કેરળમાં છુપાયો છે.

આ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે કેરળ ખાતે જઇ વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો. આતંકીની પ્રાથમિક પૂછપરછમાં બોમ્બ બનાવવા માટેની ચિપ શોએબ લાવ્યો હતો.તે રિયાઝ અને યાસિન ભટકલની નજીકનાે માણસ હતો. રિયાઝ અને ભટકલના કહેવાથી બોમ્બની ચિપ લાવીને બોમ્બમાં ફીટ કરાઇ હતી. બોમ્બ બ્લાસ્ટ બાદ શોએબ દેશ છોડી ફરાર થઇ ગયો હતો. કેરળમાં વેશ બદલીને રહેતો હોઇ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. આતંકીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાસિન બટકલની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એનઆઇએ પાસેથી કસ્ટડી મેળવીને અમદાવાદ લાવી પૂછપરછ કરી હતી, જેમાં અનેક ખુલાસા થવા પામ્યા હતા.

યાસિનની પૂછપરછમાં આ આતંકીનું પગેરું મળ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કેસમાં અત્યાર સુધી ૭૯ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.
http://sambhaavnews.com/

You might also like
728_90