અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ સાડા ત્રણ ઇંચ થયો

અમદાવાદ: આજે સવારે ૬-૦૦ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન શહેરમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબકતાં શહેરનો ચાલુ સિઝનનો કુલ વરસાદ સાડા ત્રણ ઇંચ થયો છે.

ટાગોર હોલ ખાતેના મ્યુનિ.મધ્યસ્થ કંટ્રોલ રૂમનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ સૌથી વધુ પૂર્વ ઝોનમાં પ૧ એમએમ, પશ્ચિમ ઝોનમાં ર૯ એમએમ, નવા પશ્ચિમ ઝોનમાં ર૭ એમએમ, મધ્ય ઝોનમાં ૩૦ એમએમ, ઉત્તર ઝોનમાં ૩૦ એમએમ અને દ‌િક્ષણ ઝોનમાં ૪પ એમએમ વરસાદ છેલ્લા ર૪ કલાક દરમિયાન નોંધાયો છે.

જ્યારે ઓઢવમાં સૌથી વધુ પપ એમએમ, વિરાટનગરમાં પ૧ એમએમ અને ચકુડિયા મહાદેવમાં ૪૭ એમએમ વરસાદ પડયો છે. ગઇ કાલે રાતના ૮-૦૦થી આજે સવારના ૬-૦૦ વાગ્યા સુધી શહેરમાં ૯ એમએમ જેટલો ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઓઢવ રિંગરોડ સર્કલથી સિંગરવાના રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડીને રસ્ત ધોવાયાની ફરિયાદ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ઉપરાંત શહેરમાં આ લખાય છે ત્યારે ઝરમર વરસાદ વરસતો હોઇ આજે સવારના ૬-૦૦ વાગ્યાથી ૧૦-૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૦.૪૦ એમએમ જેવો નહિવત વરસાદ તંત્રના ચોપડે નોંધાયો છે.

You might also like