સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટોની હરાજી કરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરતા મ્યુનિસિપલ કમિશ્નર ડી.થારાએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટની હરાજી કરવામાં આવશે. જેનાથી થનારી આવકમાંથી શહેરના વિકાસકામો પાછળ ખર્ચ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આગામી નાણાંકીય વર્ષ દરમિયાન રેવન્યુ આવક વધારીને ગત બજેટમાં જે કેપિટલ ખર્ચ ૯૯૫ કરોડ હતો તેમાં વધારો કરીને આ વખતે ૧૩૬૫ કરોડ કરવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં કોઈ નવા વેરા નાંખવામાં આવ્યા નથી. તેમજ રેવન્યુ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં એનએચએલ મેડિકલ કોલેજમાં ૧૦૦ સીટનો વધારો કરવામાં આવશે તેથી આ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

આ ઉપરાંત કોતરપુર ખાતેથી નમર્દાકેનાલની ગ્રેવિટીલાઈન નાંખવામાં આવશે. અને તેના દ્વારા દરરોજ ૬૦૦ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવશે. આ લાઈન નાંખવામાં આવતા ૩૫ થી ૪૦ લાખની વીજળીની બચત થશે. આ ઉપરાંત ટ્રીટેડ વોટરને બદલે રિ-સાઈકલ (ટ્રીટેડ સુએજ)ના વપરાશ અંગે ગાર્ડનમાં ટ્રીટેડ વાટરની જગ્યાએ નજીકના સુઅરેજ નેટવર્કમાંથી સુએજ મેળવી ડી-સેન્ટ્રલાઈઝ ૧-૨ એમએલડી ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી તેનો ઉપયોગ ગાર્ડનમાં કરવાથી અંદાજીત ૧૮ એમએલડી ટ્રીટેડ પાણીની બચત થશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ તેમજ એલઆઈજી આવાસો માટે કુલ ૯૬૦૦૦ મકાનો બનાવવાનુ આયોજન છે. તેમાંથી ૫૦ ટકા જેટલા મકાનો બની ગયા છે.જ્યારે સ્લમ વિસ્તારમાં ૩૦૦૦ મકાનો બનાવવામાં આવ્યા છે.  આ ઉપરાંત શહેરમાં રોડ બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે શહેરના વિવિધ ૧૮ બગીચાનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.

શહેરમાં વધતી જતી પાર્કિંગની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે વિવિધ જગ્યાએ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. અને તેમાં તાલિમ મેળવેલી મહિલાઓ વાહનોનું પાર્કિંગ કરાવશે.

You might also like