નામ બડે અોર… જાણીતી હોટલની વાનગીઅોની ક્વોલિટીમાં ગરબડ

અમદાવાદ, બુધવાર
શહેરના સત્તાધીશો ભલે ૬પ લાખની વસ્તી ધરાવતા મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરી રહ્યા હોય. દર વર્ષે બજેટમાં વિકાસના કરોડો રૂપિયાના પ્રોજેકટનાં ઢોલ-નગારાં વાગતાં હોય, તેમ છતાં આજે પણ નળ-ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ના બુનિયાદી પ્રશ્નો ઉકેલાયા નથી. પ્રાથમિક સુખાકારીના કામમાં સત્તાવાળાઓ નાગરિકોને સંતોષી શકયા નથી.

બીજી તરફ ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. તેમાં પણ ભ્રષ્ટાચારી તંંત્રના કારણે ઠેર ઠેર ખાઉગલી ઊભી થઇ છે. અનેક હોટલ-રેસ્ટોરાં હેલ્થ લાઇસન્સ વગર ધમધમે છે. હપ્તાખોર અધિકારીઓના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડાં થાય છે, જેમાં કેટલીક જાણીતી હોટલ-રેસ્ટોરાં કે પ્રતિષ્ઠિત ધંધાર્થીઓનાં નામ પણ પ્રકાશમાં આવતાં ‘નામ બડે ઔર દર્શન ખોટે’ જેવું જનમાનસને આઘાત અપાવે તેવું ચિત્ર ઉપસ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યપ્રધાનપદના કાર્યકાળ દરમિયાન મ્યુનિસિપલ ભાજપને અવારનવાર ટિફિન બેઠક યોજીને લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરવાની તાકીદ કરી હતી, તેમાં પણ ખાદ્યપદાર્થોમાં વધતી જતી ભેળસેળના મામલે જાગૃત રહેવાની ખાસ તાકીદ કરી હતી, પરંતુ તંત્ર ગાફેલ રહેતાં શેઠની શિખામણ ઝાંપા સુધી રહી છે.

હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં લેવાયેલા વિભિન્ન ખાદ્યપદાર્થના ર૦૩ નમૂનાની મ્યુનિસિપલ લેબમાં તપાસણી બાદ જે રિપોર્ટ આવ્યા છે તે ભારે ચોંકાવનારા છે. આંબાવાડીના પાંજરાપોળ ચાર રસ્તા પરની ક્રિઓસ હોટલનો પાસ્તા સોસ, અભિલાષા હોટલનું મલાઇ પનીર, ટોપાઝ રેસ્ટોરાંનું મિકસ દૂધમાંથી બનાવેલું દહીં, પેપરાજી હોસ્પિટાલિટીનો કિઓસ સોસ મ્યુનિસિપલ લેબના રિપોર્ટ મુજબ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે.

મણિનગરના ઇન્દુબહેન ખાખરાવાળાના સોયા ‌િસ્ટક મિસ સ્ટાન્ડર્ડ તો પાલડી-ભઠ્ઠાના જલારામ પરોઠા હાઉસના ફેટ સ્પ્રેડમાં ફેટનું પ્રમાણ ઓછું જોવા મળતાં હેલ્થ વિભાગે તેને સબસ્ટાન્ડર્ડ તો બોડકદેવના માનસી સર્કલ પાસેના જગદીશ હાઉસનો લીલો-સૂકો ચેવડો મિસ બ્રાન્ડેડ જાહેર કર્યો છે.

આ તમામ જાણીતાં નામ હોઇ સ્વાભાવિકપણે ચર્ચાસ્પદ થયાં છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૮થી ગત તા.૧૭ ફેબ્રુઆરી, ર૦૧૮ દરમિયાન કુલ ર૦ નમૂનાને અપ્રમાણિત જાહેર કરાયા છે, જેમાં આ જાણીતાં નામ ઉપરાંત ઓઢવમાં શિવશકિત કિરાણા સ્ટોર્સ, ઘોડાસરમાં દેવ પ્રોવિઝન સ્ટોર્સ, ચાંદલોડિયામાં મેલડી પ્રોવિઝન સ્ટોર્સ, દિલ્હી દરવાજા પાસે જૈન ચવાણા માર્ટ, સરસપુરમાં કૃષ્ણા સ્ટોર્સ, ગણેશ સ્ટોર્સ, મોટેરામાં મહાલક્ષ્મી સીંગચણા ભંડાર, વસ્ત્રાલમાં બ્રહ્માણી કિરાણા સ્ટોર્સ, દરિયાપુરમાં અંબિકા ગૃહ ઉદ્યોગ, રાણીપમાં જૈન ગૃહ ઉદ્યોગ, માધુુપુરામાં કે.શાહ એન્ડ કંપની, ચાંદખેડામાં શ્રી બિકાનેર સ્ટોરનાં ઘી, શક્કરપારા, રતલામી સેવ, મિકસ ચવાણું, મિલ્ક ટોસ જેવા વિવિધ ખાદ્યપદાર્થ કાં તો સબસ્ટાન્ડર્ડ અથવા તો મિસ બ્રાન્ડેડ જાહેર થયા છે. તંત્ર દ્વારા આ તમામ ધંધાકીય એકમો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ કાર્યવાહી કરાઇ છે.

જોકે હેલ્થ વિભાગની જાળમાં ભાગ્યે જ શહેરની જાણીતી હોટલ-રેસ્ટોરાં કે ધંધાકીય એકમ આવતાં હોઇ મોટા ભાગે નાના વેપારીઓની કરિયાણાની દુકાન કે ડેરીના નમૂના લેબમાં નિષ્ફળ જતાં તેઓ આ જાળમાં સપડાય છે. જેના કારણે હેલ્થ વિભાગની નમૂના લેવાની કામગીરી વારંવાર ટીકાપાત્ર બની છે, પરંતુ ચાલુ વર્ષના દોઢ-બે મહિનાની કામગીરીમાં જ જાણીતા વ્યાવસાયિકો ઝપટમાં આવતાં આ બાબત વધુ ચર્ચાસ્પદ બની છે.

હેલ્થ વિભાગનો ગત વર્ષ ર૦૧૭ના સત્તાવાર રિપોર્ટ મુજબ કુલ ૧૭૪૯ નમૂનાને મ્યુનિસિપલ લેબમાં તપાસ માટે મોકલાયા હતા, જે પૈકી ૮૬ મિસબ્રાન્ડેડ, ૮૧ સબસ્ટાન્ડર્ડ અને ૧૦ અનસેફ મળીને કુલ ૧૭૭ નમૂનાને અપ્રમાણિત જાહેર કરાયા હતા એટલે કે દસ ટકા નમૂનામાં પણ ભેળસેળ પકડાઇ નથી!

You might also like