અમદાવાદમાં લૂંટારૂઓ બેફામ, વેપારીને છરીનાં ઘા ઝીંકીને ચલાવી ખુલ્લેઆમ લૂંટ

અમદાવાદઃ નવરંગપુરામાં લૂંટારાઓએ આતંક મચાવ્યો ત્યારે પોલીસ નિષ્ક્રીય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. લૂંટારાઓ છરીની અણીએથી ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યાં છે. કાયદા વ્યવસ્થાનાં ડર વગર જ લૂંટારાઓ બેફામ બની ગયાં છે. લૂંટારાઓએ 3થી વધુ લોકો પાસેથી લૂંટ ચલાવી છે. લૂંટારાનાં આતંકથી વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. લૂંટારાને પકડવા અને વેપારીઓને રક્ષણ આપવા માટે પોલીસ નિષ્ક્રીય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદનાં લો ગાર્ડન વિસ્તારમાં લૂંટારાઓ બેફામ બન્યાં છે. સેન્ડવીચની દુકાનમાં નોકરી કરતા લાલુરામ ડામોર સવારે 6 વાગે નોકરી જવા નીકળતાં હતાં ત્યારે એકટીવા પર આવેલા બે લૂંટારાઓએ તેમને રોક્યાં અને છરીનો ઘા હાથ પર મારીને તેમનાં 10 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ કરી.

આ ઘટનાથી લાલુરામ ભયભીત થઈ ગયાં. ઘટના સ્થળથી નજીક જ લો ગાર્ડન પોલીસ ચોકી હતી. પંરતુ પોલીસની હાજરી નહીં હોવાંથી લૂંટારાઓએ બેફામ લૂંટને અંજામ આપ્યો. આ ઘટનાની જાણ અન્ય વેપારીઓને થતાં જ તેઓ લાલુરામને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. લાલુરામની એક મહિનાની કમાણી એવા પગારનાં રૂ.10 હજાર લૂંટારાઓ લૂંટીને જતાં રહેતા લાલુરામે સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યો છે.

લો ગાર્ડન નજીક આ એક જ ઘટના નથી. પણ આ પ્રકારે 2થી 3 ઘટનાઓ તાજેતરમાં પણ બની છે. જે સેન્ડવીચની દુકાનમાં લાલુરામ નોકરી કરે છે તેનાં માલીકનાં ભાઈને પણ આ પ્રકારે લૂંટારાઓ રૂ 400ની લૂંટ કરીને ફરાર થઈ ગયાં હતાં. લૂંટ, ચેઈન સ્નેચીંગ અને મોબાઈલ સ્નેચીંગની ઘટના વઘતા સ્થાનિક વેપારીઓમાં પણ લૂંટારાઓને લઈને દહેશત અને પોલીસની કામગીરીને લઈને આક્રોશ વધ્યો છે.

વેપારીઓ એવું માની રહ્યાં છે કે ગુજરાત હવે ગુજરાત નથી રહ્યું પણ બિહાર અને યુપી બની રહ્યું છે. જ્યાં લોકો સુરક્ષિત નથી. લો ગાર્ડન નજીક પોલીસ ચોકી હોવા છતાં પોલીસ બેદરકાર છે. પોલીસની નિષ્ક્રીયતાથી લૂંટારાઓ બિલકુલ બેફામ બની રહ્યાં છે.

કાયદો વ્યવસ્થાનું પોલીસ રક્ષણ તો કરી શકતી નથી. પરંતુ તપાસનાં નામે બચાવ કરી રહી છે. આ ઘટનામાં પણ લો ગાર્ડન પોલીસ ચોકી નજીક હોવા છતાં બે લૂંટારાઓ છરીનાં ઘા ઝીંકીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાં. પોલીસ ચોકી હોવા છતાં લોકો સુરક્ષિત નથી.

પોલીસ ચોકીનાં પીએસઆઈ એ.એચ.કાઝી ફકત તપાસનાં નામે પોલીસની બેદરકારીને છુપાવતાં રહ્યાં. ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે શું પોલીસ ચોકીમાં પોલીસ હતી? શું હવે લૂંટારાઓમાં પોલીસનો ડર જ નથી રહ્યો? પોલીસ વાહન ચોરને પકડીને સંતોષ મેળવે છે પણ લૂંટારાઓ તો બેફામ લૂંટ ચલાવીને પોલીસને પડકાર ફેકી રહ્યાં છે.

You might also like