શહેરના રોડ કૌભાંડ ફરીથી ગાજ્યા, મટીરિયલ્સ વગર જ બિલ પાસ થઈ જાય છે

અમદાવાદ, સોમવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યાર સુધીના ઇતિહાસમાં રોડના કામનો ભ્રષ્ટાચાર સૌથી વધુ ગાજ્યો છે. સત્તાવાળાઓએ આગામી બજેટના રૂ.૪પ૦ કરોડના રોડનાં કામની ગુણવત્તા જાળવવા પ્રથમ વખત રોડનાં કામનું ઇન્સ્પેકશન ઇજનેરોના જંબો સ્ટાફ હોવા છતાં થર્ડ પાર્ટી દ્વારા કરાવવાનાં ચક્ર ગતિમાન કર્યાં છે.

કેટલાક ભ્રષ્ટ ઇજનેરોને કારણે સમગ્ર ઇજનેર વિભાગની આબરૂ ખરડાઇ છે. કોન્ટ્રાકટરને આર્થિક બખ્ખેબખ્ખાં કરાવવા આવા ઇજનેર રોડ રિસરફેસિંગનાં કામમાં મટીરિયલ્સની વજન ચિઠ્ઠી વગર રોડ રિસરફેસિંગના જે તે લાખો રૂપિયાનાં ફાઇનલ બિલ પણ મંજૂર કરી દે છે.

તંત્ર દ્વારા ૯૦ તૂટેલા રોડ પૈકી ફકત ૪પ રોડના ડામર ચોરી સહિતની વ્યાપક ગેરરીતિ પકડાતાં દેખાવ પૂરતાં ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટેડ કરાયા છે. ર૬ ઇજનેરને શો કોઝ નોટિસ ફટકારાઇ છે. તેમ છતાં રોડ રિસરફેસિંગનાં કામો પાટા પર તો ચઢયાં નથી, પરંતુ બાકીના ૪પ રોડ પૈકી ૪૦ રોડના નમૂના લેબમાં ફેઇલ ગયા હોવા છતાં તંત્રમાં આ માટેના કસૂરવાર વિરુદ્ધ આગળની કાર્યવાહી કરતાંં ગભરાટ ફેલાયો છે.

જાણકાર સૂત્રો કહે છે કે ઇજનેર વિભાગમાં ભ્રષ્ટાચારની ઉધઇ એટલી હદે પેસી ગઇ છે કે રોડ રિસરફેસિંગના કામમાં જે તે સપ્લાયરના મટીરિયલ્સનું ફાઇનલ બિલ પણ મટીરિયલ્સની વજન ચિઠ્ઠી વગર ચૂકવી દેવાય છે. બિલમાં દર્શાવેેલા વજનની ચોકસાઇ કરવાની દરકાર પણ જે તે ઝોનના એડિશનલ સિટી ઇજનેર રાખતા નથી. જે મટીરિયલ્સ ટેસ્ટિંગ કરવાની શરતે ઉપયોગમાં લેવાનું હોય તેના ટેસ્ટ રિપોર્ટ મુજબ બિલ ચૂકવાતા નથી.

રોડ રિસરફેસિંગના કામનો પ્રકાર એક જ સરખો હોવા છતાં રોડ પ્રોજેકટ વિભાગના બજેટ અને ઝોનલ બજેટમાં એક સરખો ભાવ હોતો નથી. આમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ તો ઠીક ઇજનેર વિભાગ દ્વારા દરેક કામની મેજમેન્ટ બુકને કમ્પ્યૂટરાઇઝડ કરીને ફાઇનાન્શિયલ એકાઉન્ટ સિસ્ટમ સાથે ઇરાદાપૂર્વક લિંકઅપ કરાતી નથી. જેના કારણે જે તે કોન્ટ્રાકટરને વાસ્તવિક રીતે ચૂકવાયેલાં નાણાંના હિસાબ કિતાબમાં ભારે ગોટાળા થાય છે.

ખરેખર તો જે તે વોર્ડમાં હાલમાં હયાત રોડ છેલ્લે કયારે બનાવાયેલો, આ રોડની ડિફેકટ લાયબેલિટી પિરિયડ કયારે પૂરો થાય છે, કયા કોન્ટ્રાકટર પાસે કેટલી રકમમાં તૈયાર કરાયો વગેરે વિગત તૈયાર કરી તેની વોર્ડ વાઇઝ જાણકારી વેબસાઇટ પર મૂકીને સતત

આ માહિતીને અપડેટ કરવી જોઇએ, પરંતુ ભ્રષ્ટ ઇજનેર વિભાગ જાણી જોઇને આવું કરવાનું ટાળે છે. એટલે અનેકવાર જાણીતા કોન્ટ્રાકટરને આર્થિક રીતે બખ્ખેબખ્ખાં કરાવવા ડિફેકટ લાયબેલિટીવાળા રોડ પર લાખો રૂપિયાના ખર્ચે તેમની પાસે રિસરફેસિંગ થાય છે. ખુદ શાસકોને રોડ રિસરફેસિંગનાં કામના આંકડા આપવામાં ઊઠાં ભણાવાયાં હતાં.

You might also like