૪૫૦ કરોડના ખર્ચે ૯૦ રોડ બન્યા, 80 રોડના કામમાં થયો વ્યાપક ભ્રષ્ટાચાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ઠેરઠેર રસ્તા ધોવાયા હતા. તાજેતરમાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ધોવાયેલા રસ્તાના કૌભાંડના કારણે ભાજપ હાઇકમાન્ડ દ્વારા પંદરથી વીસ જેટલા કોર્પોરેટરોની ટિકિટ મેળવવાની ઇચ્છા પર પાણી ફેરવી દેવાયું હતું. તૂટેલા રસ્તાનો મામલો ચૂંટણી અગાઉ ખૂબ ગાજ્યો હતો. દરમિયાન તંત્ર દ્વારા રોડની ગુણવત્તા તપાસવા ૯૦ રોડના નમૂૂના લેવાયા હતા જે પૈકી ૮૦ રોડના નમૂના નિષ્ફળ નિવડ્યા હોવાનું જાણવા
મળ્યું છે.

તૂટેલા રસ્તા અંગે લોકોએ તંત્ર અને શાસકો વિરુદ્ધ જબ્બર રોષ દાખવ્યો હતો. નાગરિકોના આક્રોશની છેક ગાંધીનગર સુધી તેના ગંભીર પડઘા પડ્યા હતા. ભાજપના પ્રધાન અને ધારાસભ્યોએ પણ રોડનાં કામોના ભ્રષ્ટાચાર મામલે તંત્ર પર પસ્તાળ પાડી હતી. આ તો ઠીક, મ્યુનિસિપલ બોર્ડમાં ભાજપના વરિષ્ઠ કોર્પોરેટરો પણ રસ્તાનાં કૌભાંડમાં કોર્પોરેટર સહભાગી થયા હોવાનું લોકમુખે ચર્ચાતું
હોઇ તે બાબતે ઊભરો ઠાલવ્યો હતો.

ચાલુ વર્ષમાં આશરે રૂ.૪પ૦ કરોડના ખર્ચે શહેરભરમાં રોડ રિસરફેસિંગના કામ હાથ ધરાયાં હતાં. જેમાં કૌભાંડને પગલે ઠેરઠેર રોડ પર ગાબડાં પડતાં ગાંધીનગરનાં દબાણને પગલે તંત્ર દ્વારા વિજિલન્સ તપાસ હાથ ધરાઇ હતી. શહેરના ૯૦ તૂટેલા રોડના નમૂના લેવાયા હતા. આ રોડના નમૂનાને લેબમાં તપાસ અર્થે મોકલાયા હતા. તૂટેલા રોડનાં કૌભાંડમાં હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાલ આંખ કરી હતી.

દરમ્યાન સૂત્રો કહે છે, આમ તો તૂટેલા રોડનું કૌભાંડ ચૂંટણી દરમ્યાન વિવાદોમાં આવે નહીં તે માટે તંત્ર પર ઉપરથી દબાણ કરાયું હતું. જેના પગલે તૂટેલા રોડના નમૂનાની લેબ તપાસ વિલંબમાં મુકાઇ હતી. આ ઉપરાંત વિજિલન્સ વિભાગે પણ ધીમી ગતિએ કામગીરી હાથ ધરી હતી. વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં રોડનાં કામોના કેટલાક કોન્ટ્રાક્ટરોએ ડામર ચોરી કરવા ‌ઉપરાંતની ગેરરીતિઓ આચરી હોવાનંુ પ્રકાશમાં આવ્યું હતું. આ પ્રાથમિક તપાસના આધારે ત્રણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા હતા.

જોકે ૯૦ રોડ પૈકી ૮૦ રોડના નમૂના લેબની તપાસમાં નિષ્ફળ નિવડ્યા હોવાની વિગત જાણવા મળી છે.એટલે કે રોડનાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થયું છે. અલબત્ત, હોઇકોર્ટમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ મુકાયો નથી. આગામી તા.ર૬ ડિસેમ્બરે હાઇકોર્ટમાં તૂટેલા રોડ સંદર્ભ સુનાવણી હોઇ તે દિવસે મ્યુનિસિપલ તંત્ર પોતાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરે તેવી શકયતા છે.

દરમ્યાન સૂત્રો એમ પણ જણાવે છે કે તા.ર૬ ડિસેમ્બરે હાઇકોર્ટ દ્વારા તંત્રને દિશા નિર્દેશ કરાય તેવી પણ શકયતા છે. મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે રસ્તાનાં કામોના મામલે અમે કડક છીએ. અમે પ્રાથમિક રિપોર્ટના આધારે ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કર્યા હતા. મારી પાસે હજુ રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટમાં જે તથ્ય બહાર આવશે તે મુજબ અન્ય કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરતાં અચકાઇશું નહીં.

You might also like