અમદાવાદ : ખાયકીના ખાડા પર રોડાંનું લીંપણ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડનાં કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયાના કારણે તાજેતરમાં વરસાદમાં લાખો અમદાવાદીઓ ભારે મુસીબતમાં મુકાઇ ગયા છે. શહેરભરમાં રસ્તાનું ધોવાણ થવાથી રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે જ સમજાતું નથી. તેમાં પણ વરસાદના સમયે રસ્તા પર પાણી ફરી વળવાથી ખાડામાં અથડાતા-કુટાતા વાહનચાલકોના કમરના મણકા ભાંગી રહ્યા છે. આવા સંજોગોમાં ખાડામાં વ્યવસ્થિત પુરાણ કરવાને બદલે તંત્ર શહેરીજનોની આંખમાં ધૂળ નહીં પણ આખ્ખેઆખા રોડાં નાંખી રહ્યું હોઇ લોકો સત્તાવાળાઓને પણ મણ મણની જોખમાવી રહ્યા છે.

શહેરના ડિસ્કો રોડની ગંભીર નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવાઇ છે. પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા, વલ્લભ કાકડિયા અને શંકર ચૌધરી એક અથવા બીજા પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો સામે પોતાનો રોષ ઠાલવી ચૂકયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રોડનાં કામોના ભ્રષ્ટાચારથી લોકોનો આક્રોશ સહેવો પડશે તેવો ફફડાટ અનુભવીને જગરૂપસિંહ રાજપૂત, કિશોરસિંહ ચૌહાણ જેવા ધારાસભ્યો પણ બોલતા થયા છે. પ્રધાનો અને ધારાસભ્યોનું જોઇને ભાજપના દિલીપ બગરિયા જેવા કેટલાક કોર્પોરેટરોએ ધોવાયેલા રોડની વિજિલન્સ તપાસ માગી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ સહિતના સઘળા ૧ર સભ્યો તંત્ર પર પસ્તાળ પાડી ચૂકયા છે.

ગઇ કાલે મ્યુનિસિપલ કોંગ્રેસ દ્વારા નાગરિકોને પડી રહેલી હાલાકીનો પડઘો પાડીને મેયર ઓફિસમાં હલ્લાબોલ કરાયું હતું. શહેરીજનોની કફોડી હાલત બદલ જવાબદારી સ્વીકારીને મેયર ગૌતમ શાહ રાજીનામું આપે તેવી માગણી કરવા કોંગ્રેસના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારના આક્ષેપોની ઝડી વરસાવતું આવેદનપત્ર મેયરને સુપરત કરતાં તેમણે રાજ્ય સરકારના રોડ અને ‌િબલ્ડિંગ વિભાગના નિષ્ણાત ઇજનેરોની ટીમ મોકલવા નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ સાથે વાતચીત થઇ હોવાનું જણાવીને કોંગ્રેસના કોર્પોરેટરોને શાંત પાડયા હતા.

આના બદલે મ્યુનિસિપલ તંત્રની અણઆવડતથી પ્રજાની તકલીફ ઘટવાને બદલે વધી છે. અમરાઇવાડીના સુખરામનગર, નરોડામાં રામપ્રસાદ ચાલી રોડ, રાણીપમાં નવસર્જન સ્કૂલ વિસ્તાર, ઇન્ડિયા કોલોનીમાં રાશનબીબી ચાલ રોડ, બાપુનગરમાં દિનેશ ચેમ્બર્સ રોડ, મણિનગરમાં ભુલાભાઇ ચાર રસ્તા, બોડકદેવમાં મેમનગર વોર્ડ ઓફિસ સામે, મેમનગર રોડ ઠકકરનગરમાં વિક્રમ પાર્ક ક્રોસ રોડ, ખોખરામાં ૧૩ર ફૂટ રોડ, નારણપુરામાં અંકુર ક્રોસ રોડ વગેરે સ્થળોએ રોડ પરના ખાડા પૂરવા માટે તંત્રે સાવ વાહિયાત રીતે કામગીરી શરૂ કરી છે.

કોન્ટ્રાકટરના માણસો ટ્રેકટર-ટ્રોલીમાં આવીને જે તે સ્થળે ઇંટોના ઢગલા કરીને જતા રહે છે. આવી રીતે રસ્તાના ખાડા પુરાઇ રહ્યા હોઇ અમુક સ્થળોએ તો ખાડો ટેકરો બનીને ટુુ વ્હીલરચાલકોના જાનમાલ માટે જોખમી બન્યા છે. ફોર વ્હીલર ચાલકો તો ઇંટોના ઢગલા પરથી એક વખત પસાર થઇ જાય, પરંતુ ટુ વ્હીલરચાલકો આડેધડ રીતે થતા ખાડાના પુરાણથી નવો ત્રાસ અનુભવી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર પણ હવે તો પ્રજા શહેરના શાસકો ‌િવરુદ્ધ આક્રોશ ઠાલવી રહી છે. ટ્વિટર, વોટ્સએપ જેવાં માધ્યમો પર લોકો રસ્તાની બદતર હાલત માટે ફકત અને ફકત વર્તમાન સત્તાધીશોના ભ્રષ્ટાચારને જવાબદાર ગણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા હોઇ આખી ગાંધીનગરને પણ ગંભીરતાથી નોંધ લેવાની ફરજ પડી છે.
http://sambhaavnews.com/

You might also like