અમદાવાદ રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યાં

અમદાવાદ: સાબરમતી નદીના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાંથી ગઇ કાલે સાંજના સુમારે પ૦ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાની શરૂઆત કરાઇ હતી, જે મોડી રાતે એક લાખ ક્યુસેક પાણી થયું હતું, જેમાં લાકોદરા વિયર સહિતનું પાણી ભળતાં ૧.૪૮ લાખ ક્યુસેક થયું છે. સાબરમતી નદીમાં છોડાયેેલ આ જંગી માત્રાનો પાણીનો ધસમસતો પ્રવાહ આજે સવારે ૧૧-૩૦ વાગ્યાના સુમારે સુભાષબ્રિજ પાસેના રિવરફ્રન્ટના લોઅર વોક-વે પર ફરી વળ્યાે હતાે.

ગઇ કાલે મોડી રાતે સાબરમતી નદીમાં આવનાર પૂરની સ્થિતિને પહોંચી વળવા પાલડીના કંટ્રોલરૂમમાં મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં તાકીદની બેઠક મળી હતી, જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર સહિતના ટોચના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમ્યાન કમિશનર મૂકેશકુમારે પણ ‌િટ્વટરના માધ્યમથી રિવરફ્રન્ટના બંને બાજુના વોક-વેમાં સાવચેતીનાં પગલાંરૂપે કોઇએ જવું નહીં તેવી લોકોને વિનંતી કરી હતી તેમજ વાસણા બેરેજના નીચાણવાળા વિસ્તાર જેવા કે વણઝારા, બાકરોલ, ફતેવાડી તથા ગ્યાસપુર જેવા વિસ્તારોમાંથી કોઇએ નદીમાં જવું નહીં અને ચંદ્રભાગા વિસ્તાર તેમજ ઇન્દિરાબ્રિજના નદીના વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસી જવાની લોકોને અપીલ કરાઇ હતી. તંત્ર દ્વારા રિવરફ્રન્ટના લોઅર વોક-વેને સાવચેતીનાં પગલાંરૂપે ગઇ કાલ સાંજથી જ બંધ કરાયો હતો.

મ્યુનિસિપલ તંત્રે આજે સવારે પ વાગ્યાથી સાબરમતી નદીમાં પાણીની સપાટી વધવાની શક્યતા વ્યક્ત કરી હોઇ ગઇ કાલ રાતથી વાસણા બેરેજના તમામ ૩૦ દરવાજા ખોલી નખાયા હતા તેમજ દસક્રોઇ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના પ૦૦ લોકોને જિલ્લા તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા.

દરમ્યાન મેયર ગૌતમ શાહે આજે વહેલી સવારે ચંદ્રભાગા સહિતના વાડજના વિસ્તારની મુલાકાત લઇને તંત્રની તૈયારીની જાતમાહિતી મેળવી હતી. આ લખાય છે ત્યારે સવારે ૧૧ કલાકે વાસણા બેરેજમાંથી ર૩,પ૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને સંભવિત પૂરનાં પાણી સુભાષબ્રિજ પાસે સવારે ૧૧-૩૦ વાગ્યાની આસપાસ આવે તેવી શક્યતા છે.

મ્યુનિસિપલ સિટી ઇજનેર જગદીશ પટેલ કહે છે, “શહેરીજનોએ ધરોઇ ડેમમાંથી છોડાયેલાં પાણીની ખાસ ચિંતા કરવાની જરૂર નથી. સુભાષબ્રિજથી નહેરુબ્રિજ સુધીના રિવરફ્રન્ટનાે લોઅર વોક-વે પાણીમાં તરબોળ થવાની શક્યતા છે. જોકે ભારે વરસાદ પડે તો સામાન્ય જનજીવનને કંઇકઅંશે અસર થાય તેમ છે.”
http://sambhaavnews.com/

You might also like