રિવરફ્રન્ટ પર ફૂટ અોવરબ્રિજ બનશે

અમદાવાદ: મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ સાબરમતી નદીના કિનારા પર વૉક-વે, બાગ-બગીચા, રોડ, અંડરપાસ, વોટર રિલેટેડ એક્ટિવિટીઝ, ઝીપલાઇન, સેગ-વે, ગોલ્ફ કોર્ટ વગેરે કરી આનંદપ્રમોદના સ્થાન તરીકે વિક‌િસત કરાયાં છે. રિવરફ્રન્ટના બંને કાંઠાને જોડનારો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. શહેરીજનો આગામી દિવસોમાં આ ફૂટ ઓવરબ્રિજ ઉપરથી ટહેલતા ટહેલતા નદીના એક કાંઠાથી બીજા કાંઠે જઇ શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પો. લિ.ના ટેકનોલોજી વિભાગના જનરલ મેનેજર જગદીશ પટેલ આ અંગે વધુ વિગતો આપતા કહે છે કે, રિવરફ્રન્ટના એક કાંઠાથી બીજા કાંઠાને જોડનારા ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે કન્સલ્ટન્ટ નિમવાની કવાયત હાથ ધરાઇ છે. અનુભવી કન્સલ્ટન્ટની નિમણુંક કરવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડ્યા છે. એસઆરએફડીસીએલ કંપની કન્સલ્ટન્ટ નિમીને તેમની પાસેથી ડિઝાઇન મેળવશે. આ ડિઝાઇનના આધારે ફૂટ ઓવરબ્રિજના નિર્માણની પ્રક્રિયા આગળ વધારીશું.

જોકે ફૂટ ઓવરબ્રિજના નિર્માણ પાછળ રૂ.પાંચથી સાત કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. આ ફૂટ ઓવરબ્રિજ એલિસબ્રિજથી સરદારબ્રિજની વચ્ચે બંધાશે. આશરે ૩૦૦ મીટર લાંબા અને રપ થી ૩૦ ફૂટ પહોળા ફૂટ ઓવરબ્રિજને તંત્ર નમૂનેદાર બનાવશે તેમ પણ તેઓ વધુમાં જણાવે છે.

You might also like