સાબરમતી રિવરફ્રન્ટ પાસે ભરબપોરે યુવકને માર મારી એક્ટિવા અને રોકડની લૂંટ

અમદાવાદ: છેલ્લા બે દિવસથી શહેરીજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીને કારણે રસ્તાઓ ભરબપોરે સૂમસામ હોય છે ત્યારે આ તકનો લાભ ઉઠાવી સાબરમતી નદી પાસે રિવરફ્રન્ટ નજીક ઊભેલા એક યુવકને રિક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખસ માર મારી રૂ. ૧૫૦૦ રોકડા મોબાઈલ ફોન અને એક્ટિવાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે િરક્ષા નંબરના આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

સાબરમતી રિવરફ્રન્ટ હવે સુરક્ષિત રહ્યો નથી. રિવરફ્રન્ટ પર આવતા લોકો કદાચ હવે ત્યાં જવાનું વિચારશે તેવી ઘટનાઓ બનવા લાગી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં પુરુષોત્તમનગર નજીક આવેલા સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વગોરા (ઉં.વ. ૩૦) ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ કેશવનગર જે.પી.ની ચાલી પાછળ સાબરમતી રિવરફ્રન્ટ પાસે પોતાનું એક્ટિવા લઈને ઊભા હતા.

તે દરમિયાનમાં એક ઓટો રિક્ષામાં ચારેક અજાણ્યા શખસ આવ્યા હતા અને અહીં કેમ ઊભા છેા તેમ કહી તેને માર માર્યો હતો અને ખિસ્સામાં રહેલા રોકડા રૂ. ૧૫૦૦, મોબાઈલ ફોન અને તેનું એક્ટિવા મળી કુલ રૂ. ૪૧,૫૦૦ની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા. ભાવેશભાઈએ લૂંટારુઓની ઓટો રિક્ષાનો નંબર નોંધી લીધો હતો. જેના આધારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઓટો રિક્ષા નંબરના આધારે રિક્ષા કોની છે અને લૂંટારુઓ કોણ હતા તેની શોધખોળ હાથ ધરી છે.

You might also like