સાબરમતી નદીમાંથી ચાર યુવકોની લાશ મળી આવી

અમદાવાદ: શહેરની સાબરમતી નદીમાં આત્મહત્યાના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે મ્યુનિ. તંત્ર દ્વારા બ્રિજ ઉપર જાળી નાખવાની શરૂઆત કરાઇ છે, પરંતુ આત્મહત્યાના પ્રમાણમાં કોઇ ઘટાડો થાય તેવી શક્યતા જણાઇ રહી નથી. આજ સવારથી માત્ર બે કલાકની અંદર ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે સાબરમતી નદીમાંથી ચાર યુવકોની લાશ બહાર કાઢી હતી, જેમાં બહેરામપુરામાં રહેતા યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તમામ મૃતદેહને પીએમ અર્થે મોકલી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફાયરબ્રિગેડ રેસ્ક્યૂ ટીમના ફાયર જવાન ભરતભાઇ માંગેલાએ જણાવ્યું હતું કે આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ તેમને મેસેજ મળ્યો હતો કે દધીચિબ્રિજ પાસે નદીમાં એક વ્યક્તિની લાશ પડી છે, જેથી તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એક યુવકની લાશ બહાર કાઢી હતી. બાદમાં દધીચિબ્રિજ પાસેથી જ રેસ્કયૂ ટીમને અન્ય એક યુવકની લાશ મળી આવી હતી. આ મૃતક યુવકનું નામ હિતેશ નરસિંહભાઇ બારોટ (ઉં.વ. ૨૬, રહે. દૂધવાળી પોળ, ઘીકાંટા) હોવાનું જાણવા મળ્યું હતું. બંને મૃતદેહને ફાયરબ્રિગેડ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આ બંને મૃતદેહ કાઢ્યા બાદ નહેરુબ્રિજ અને સરદારબ્રિજ પાસે પણ બે વ્યક્તિની લાશ નદીમાં હોવાનો મેસેજ મળતાં જ સરદારબ્રિજ પાસે એનઆઇડી પાછળથી પ્રકાશ ખેમાભાઇ મકવાણા (ઉં.વ. ૨૦, રહે. ગરીબનગર વિભાગ-૪, બહેરામપુરા)ની લાશ બહાર કાઢી હતી. મૃતક પ્રકાશના ડાબા હાથના ભાગે કેટલાંક ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. પ્રાથમિક દૃષ્ટિએ બ્લેડથી ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. નહેરુબ્રિજ પાસેથી મળેલી લાશ અને દધીચિબ્રિજ પાસેથી મળેલી એક વ્યક્તિની લાશની ઓળખ હજુ સુધી થઇ નથી. પોલીસે તમામ મૃતદેહોને પીએમ માટે મોકલી અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like