દિલ્હીની જેમ અોડ-ઇવન માટે અમદાવાદીઅો પણ તૈયારી રાખે!

અમદાવાદ: દેશની રાજધાની દિલ્હીમાં વાહનો માટે એકી બેકી ફોર્મ્યુલા અમલમાં મુકાઈ છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા તેમજ ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે એક નવી પહેલ તરીકે પંદર દિવસ માટે અા પ્રયોગ હાથ ધરાયો છે. દિલ્હીનો અા પ્રયોગ સફળ નિવડશે કે નિષ્ફળ તે તો અાવનારો સમય બતાવશે પરંતુ અમદાવાદમાં પણ ઓડ-ઈવન ફોમ્યુલા આગામી દિવસોમાં અમલમાં મૂકાઈ તેવી શક્યતા છે.

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકના પ્રશ્નો જટિલ બનતા જાય છે. મ્યુનિ. તંત્રના વિભિન્ન બ્રિજ પ્રોજેક્ટથી અા સમસ્યાનું નિરાકરણ અાવી શક્યું નથી. પરિણામે સત્તાવાળાઅોઅે દિલ્હીની અોડ- ઇવન ફોર્મ્યુલા મુજબ અમદાવાદમાં પ્રયોગ અજમાવવાની ચક્રો ગતિમાન કર્યાં છે. શહેરના સત્તાધીશો પ્રતિદિન અોછામાં અોછા ૨૦ ટકા વાહનોને રસ્તા પર નહીં મૂકવાની દિશામાં ગંભીર બન્યા છે.

કોર્પોરેશન દ્વારા ગાડીના રજિસ્ટ્રેશન નંબરના છેલ્લા અાંકડાને સાંકળતો અઠવાડિયાનો એક દિવસ નક્કી કરાશે. તે દિવસે અા અાંકડા ધરાવતી ગાડીને રોડ પર દોડાવી શકાશે નહીં. ઉદાહરણ તરીકે સોમવારે ટુ વ્હીલર સહિતની ગાડીઅો કે જેના રજિસ્ટ્રેશન નંબરનો છેલ્લો અાંકડો એક અથવા ત્રણ હોય તો તેને રોડ પર મૂકવાનો પ્રતિબંધ લાગશે. અાગામી ત્રણથી છ મહિનામાં તંત્ર દ્વારા અા યોજનાને અમલી જામા પહેરાવવામાં અાવશે.જો કે અા પ્રયોગના અમલીકરણ માટે મ્યુનિ. સત્તાધીશોને અારટીઅો અને શહેર પોલીસની મદદથી જરૂર પડશે.

મ્યુનિ. વહીવટી તંત્ર વાહનોની અોળખ મેળવવા અારટીઅોની મદદ લેશે. મ્યુનિ. કોર્પોરેશન રોડ પર પાર્કિંગની વધુને વધુ જગ્યાઅો માટે પણ ગંભીર બન્યું છે. અમદાવાદ ગાંધીનગરને જોડતો હાઈ વે તેમજ શહેરના અતિવ્યસ્ત રોડ પર ટ્રાફિકની ગીચતાને અોછી કરવા ગેરકાયદે પાર્કિંગ સામે તંત્રે લાલ અાંખ કરવા પડ્યા છે. કોર્પોરેશન ગેરકાયદે વાહનોને તાળાં મારવા માટે ૩૫૦ તાળાં ધરાવે છે. અને અાગામી એક મહિનામાં ૧૦,૦૦૦ તાળાં અાવી જશે. છેલ્લાં પાંચ વર્ષમાં અારટીઅોમાં દશ લાખથી વધારે વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં તો અમદાવાદમાં સૌથી વધુ ૨.૨૩ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન નોંધાયું હતું. અમદાવાદમાં વર્ષ ૨૦૧૪-૧૫ના અંત સુધીમાં કુલ ૩૪.૨૧ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું.

બસ સ્ટેન્ડની નજીક રહેતા લોકો પણ બસનો ઉપયોગ કરતા નથી
કોર્પોરેશન દ્વારા AMTS બસના ઉપયોગને લઈને સર્વે થઈ ચૂક્યો છે. જેમાં AMTS બસનો દૂરના વિસ્તારને તો છોડો પણ બસ સ્ટેન્ડની આસપાસના ૫૦૦ મીટરમાં રહેતા લોકો પણ બસનો ઉપયોગ કેમ કરતા નથી તે અંગેનો અભ્યાસ કરીને તેનાં તારણ પણ તંત્ર સમક્ષ રજૂ કરાયાં છે. શહેરના ક્યાં રસ્તા પર કેટલો ટ્રાફિક રહે છે તે બાબતે પણ અભ્યાસ થઈ રહ્યો છે.

ઓડ-ઈવન ફોર્મ્યુલા માટે નાગરિકોમાં જાગ્રતિ લવાશેઃ ડી.થારા
મ્યુનિ. કમિશનર ડી.થારા ‘સમભાવ મેટ્રો’ને કહે છે, “અમદાવાદમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા માટે નાગરિકોને જાગ્રત કરાશે. કોર્પોરેશન શહેરીજનો સાથ સહકાર લઈને પ્રયોગનું અમલીકરણ કરી શકશે.”

એક ઇવનમાંથી શનિ-રવિ મુક્તિ
અમદાવાદના રસ્તાઓ પર ઓડ-ઈવન ફોર્મ્યુલા ‘શનિ-રવિ’ અમલમાં નહીં મુકાય. આ બંને દિવસોએ મ્યુનિ. કોર્પોરેશન તમામ ઓડ-ઈવન વાહનોને રસ્તા પર મૂકવાની છૂટ આપશે.

You might also like