રથયાત્રાઃ ૨૦ હજાર પોલીસ કર્મીઅોઅે કર્યું ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદ: રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસે રથયાત્રા સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું.

પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે.ખાસ કરીને શાહપુર અને દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાનેે લઈને વિશેષ તકેદરી રાખવામાં આવી રહી છે. રથયાત્રામાં થયેલાં તોફાનો બાદ દરિયાપુર અને શાહપુર વિસ્તાર અતિ સંવેદનદશીલ માનવામાં આવે છે. કાલુપુર ચોખા બજારથી લઇ દરિયાપુર વિસ્તારના જોર્ડન રોડ થઇ અને દિલ્લી ચકલા સુધી સાત ડીસીપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 1 આર એ એફ , 4 બીએસએફ, 4 એસઆરપી, 1 મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત દરિયાપુરમાં 63 અને શાહપુર વિસ્તારમાં 47 જેટલા મળી 100થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે પોલીસ કમિશનર ની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં રથની સુરક્ષાને લઈને મૂવિંગ સ્કોડ અને પોલીસ બંદોબસ્તને લઈને મહત્વના નિર્ણય લેવાયા હતા. આજે સવારે આઠ વાગ્યે અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસકર્મીઓએ રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like