અમદાવાદ-રાજકોટની એસટી વોલ્વો બસનું ભાડું રૂ.૧૦૦ ઘટશે

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ રુટ પર શરૂ કરવામાં આવેલી એસ.ટી. નિગમની વોલ્વો બસમાં રૂ.૧૦૦નો ભાવ ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાત ૧લી મે ગુજરાત ગૌરવ દિન સ્થાપના દિને કરવામાં આવી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસોના ભાડાંની હરીફાઇમાં ટક્કર લેવા માટે એસ.ટી. નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

હાલમાં અમદાવાદ-રાજકોટ અમદાવાદ વચ્ચે દોડતી એસ.ટી. વોલ્વો બસનું ભાડું રૂ.૪ર૪ છે. જ્યારે ખાનગી ટ્રાવેલ્સની બસોનું ભાડું રૂ.૪પ૦ થી રૂ.પ૦૦ સુધીનું છે. વેકેશનમાં વધુને વધુ પ્રવાસીઓનો લાભ મેળવવા ૧લી મેથી પ્રાયોગિક ધોરણે એક મહિના માટે એસ.ટી. વોલ્વો બસનું ભાડું અમદાવાદથી રાજકોટ જવા માટે રૂ.૪ર૪થી ઘટાડી રૂ.૩રપથી ૩પ૦ સુધી કરવામાં આવશે.

હાલમાં અમદાવાદ રાજકોટ વચ્ચે ૩ર વોલ્વો બસો દોડે છે. બસમાં ભાડા ઘટાડા ઉપરાંત પ્રવાસીઓને સ્ટોપેજના ભાડા ઘટાડાનો લાભ પણ મળશે. હાલમાં ખાનગી બસમાં મુસાફરી કરનાર પ્રવાસી કોઇ પણ સ્ટોપેજથી બેસે તેનું બસ ભાડું રૂ.૪પ૦ થી પ૦૦ જ રહે છે. જ્યારે એસ.ટી. વોલ્વો બસમાં મુસાફરી કરનાર પ્રવાસી જો ઇસ્કોનથી બસમાં બેસે તો બીજા રૂ.ર૦ થી રપનો ઘટાડાનો લાભ પણ તેઓ મેળવી શકે છે. આ અંગે એસ.ટી. સચિવ કે.ડી. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં પેપર ઉપર આ અંગેની કાર્યવાહી શરૂ કરાઇ હોય તે બાબત ધ્યાનમાં નથી.

http://sambhaavnews.com/

You might also like