વેજલપુર અને વટવામાં મોડી રાત્રે બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ: ગુરુવારની મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને ફકત સાડા ત્રણ કલાકમાં અડધા અમદાવાદને વરસાદી પાણીમાં ગરકાવ કરી દીધું હતું. જયારે ગઇ કાલે મોડી રાત્રે વેજલપુર અને વટવામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો. આ બંને વોર્ડમાં મોડી રાતના બેથી ચારની વચ્ચે એક ઇંચથી વધે વરસાદ વરસતાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઇ ગયા હતા.

હજારો અમદાવાદીઓ માટે ગુરુવારની રાત યાદગાર બની હતી. ઠેકઠેકાણે ઘરો અને દુકાનોમાં વરસાદી પાણીએ ઘૂસીને હાહાકાર મચાવ્યો હતો. આની સરખામણીમાં ગઇ કાલે રાત્રે મેઘરાજાએ ખાસ આક્રમકતા દાખવી ન હતી. ફકત મોડી રાતના બેથી ચાર દરમિયાન વેજલપુર અને વટવા પર વહાલ વરસાવતા આ બંને વોર્ડમાં ક્રમશઃ ર૯.પ૦ એમએમ અને ર૭.૦૦ એમએમ વરસાદ નોંધાયો હતો.

મ્યુનિ. તંત્રના ટાગોર હોલ ખાતે સ્થિત મધ્યસ્થ કંટ્રોલ રૂમના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે ૬-૦૦ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન શહેરમાં વધુ ૧ર.૧૦ એમએમ વરસાદ નોંધાયો હતો. દ‌િક્ષણ ઝોનમાં સૌથી વધુ ૩૦.૦૦ એમએમ, નવા પશ્ચિમ ઝોનમાં ર૩.૦૦ એમએમ, પૂર્વમાં ૯.૦૦, પશ્ચિમમાં ૭.૦૦, ઉત્તરમાં ૩.પ૦ અને મધ્યમાં ૧.પ૦ એમએમ વરસાદ પડયો હતો. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ર૯૭.૦૦ એમએમ વરસાદ ખાબકી ચૂકયો છે.

દરમિયાનમાં સરખેજના આબીદનગર અને ફત્તેહવાડી વિસ્તારમાં મોડી રાતના ભારે વરસાદના પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીંના નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓ સવારથી દોડતા થઇ ગયા હતા.

You might also like