વહેલી સવારે અડધું અમદાવાદ ભીંજાયું, અડધું કોરુંધાકોર

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે સવારથી ઘેરાયેલાં વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો, જોકે આ વરસાદી ઝાપટાએ મધ્ય ઝોન અને ઉત્તર ઝોનને કોરાધાકોર રાખ્યા હતા, પરંતુ મણિનગર, વટવા, બોડકદેવ, વેજલપુર અને ગોતામાં ૫.૫૦ મિલિમીટર જેટલો વરસાદ સવારે જ પડી ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે છઠ્ઠા નોરતાએ પણ મેઘમહેર ચાલુ રહેતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓની નવરાત્રીની તૈયારી પર પણ પાણી ફરી વળ્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં ૨.૫ ઈંચ અને રાજ્યભરમાં ૧ થી ૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ વિસ્તારમાં માત્ર અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીને વરસાદનું ગ્રહણ નડી જતાં ખેલૈયાઓ સહિત આયોજકોમાં ઉદાસીનતા છવાઈ છે. હવે બાકીના નોરતાના દિવસો વરસાદવિહોણા જાય તેવી આશા રાખીને બેઠેલા ખેલૈયાને આજે સવારના વરસાદે નિરાશ કર્યા છે. ઓપન ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટમાં આયોજન કરનારાઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે એટલું જ નહીં, જીએમડીસી સહિત ગરબાનાં અન્ય સ્થળોએ ખાણી-પીણીના સ્ટોલધારકોને હજારોનું ભાડું માથે પડ્યંુ છે.

કાદવ-કીચડના કારણે ગરબાનાં મેદાનોની હાલત ફલોપ શો જેવી થઈ છે. હાઈ-ફાઈ ઓર્કેસ્ટ્રા સિસ્ટમ, સે‌િલબ્રિટી, મંડપ ડેકોરેશન પાછળ ખર્ચ કરનારાને ખોટનો આંક વધી રહ્યો છે. રોજિંદા કે સિઝન પાસ ખરીદનારા ખેલૈયાઓ હવે ફરકતા પણ નથી. હવામાનખાતાની આગાહી મુજબ હજુ ૧૦ ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ અને હળવાથી ભારે વરસાદી ઝાપટાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં થવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદના ૬ મ્યુનિસિપલ ઝોન પૂર્વ, પશ્ચિમ, નવા પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં એવરેજ ૧૬.૮૪ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે વહેલી સવારના ઝાપટાનો વરસાદ ૧.૭૨ મિ.મી. નોંધાયો છે.

ગઈ કાલે સૌથી વધુ વરસાદ મણિનગર, ઓઢવ, વટવા અને સૌથી ઓછો વરસાદ બોડકદેવ, ગોતામાં નોંધાયો હતો. જ્યારે આજે સવારે સૌથી વધુ વરસાદ મણિનગર અને બોડકદેવ, ગોતામાં નોંધાયો હતો. જ્યારે નરોડા, કોતરપુર, દૂધેશ્વર, દાણાપીઠ વગેરે વિસ્તાર કોરાધાકોર રહ્યા હતા.

You might also like