અમદાવાદ રેલવે સ્ટેશન પર મુકાશે વોટર વેન્ડિંગ મશીન

અમદાવાદ: અમદાવાદના રેલવે સ્ટેશને પ્રવાસીઓને મોંઘા ભાવની મિનરલ વોટરની બોટલ નહીં ખરીદવી પડે. કાલુપુર રેલવે સ્ટેશને ટૂંક સમયમાં વોટર વેન્ડિંગ મશીન મુકાશે. આ મશીનથી ઓછી કિંમતે શુદ્ધ પાણી મળશે.
ટિકિટ વેન્ડિંગ મશીનો અમદાવાદ રેલવે સ્ટેશને કાર્યરત થયા બાદ હવે મિનરલ વોટર વેન્ડિંગ મશીન માર્ચ મહિનાના અંત સુધીમાં કાર્યરત થશે. અમદાવાદના તમામ રેલવે પ્લેટફોર્મ પર અંદાજે ર૦ જેટલાં વોટર પ્યોરિફાઇડ વેન્ડિંગ મશીન લગાવવામાં આવશે. આ મશીનમાં રૂ.૧નો સિક્કો નાખ્યા પછી તરત જ બટન પ્રેસ કરતાં પાણી મળી રહેશે. મશીન ઉપર ભાવપત્રક લગાવવામાં આવેલું હશે. જેમાં કિંમત અને કવોન્ટિટીનો ઉલ્લેખ કરાયેલો હશે.

માત્ર રૂ.૧માં વેન્ડિંગ મશીનમાંથી રેલ પ્રવાસીને ૩૦૦ એમએલ પાણી ૩૦ સેકન્ડમાં ઉપલબ્ધ થશે. જ્યારે રૂ.૩માં અડઘો લિટર, રૂ.પમાં એક લિટર અને રૂ.૮માં બે લિટર સહિત રૂ.ર૦માં પાંચ લિટર પાણી મળી રહેશે. જ્યારે કન્ટેનરમાં રૂ.રમાં ૩૦૦ એમએલ, રૂ.પાંચમાં અડઘો લિટર, રૂ.૮માં એક લિટર, રૂ.૧રમાં બે લિટર અને રૂ.રપમાં પાંચ લિટર પાણી મળશે. પ્રવાસી પોતાની બોટલ કે કન્ટેનરમાં સસ્તું મિનરલ વોટર મેળવી શકશે. જ્યારે કન્ટેનરમાં અંદાજે રૂ.પાંચ સુધી વધારાના ચૂકવવા પડશે. સરવાળે આ પાણીની બોટલ કરતાં પ્રવાસીને સસ્તું પડશે. ઉપરાંત જોઇએ તેટલું ખરીદવાથી બોટલ સાચવી રાખવાની ઝંઝટ રહેશે નહીં કે અમદાવાદ આવેેલી ટ્રેન જે આગળના સ્ટેશને જવાની હોય ત્યારે પ્રવાસી ઉતાવળમાં કયારેક જરૂરથી વધુ પેમેન્ટ પણ ચૂકવી દે છે.

આમ રેલવે સ્ટેશન પર રહેલા કોઇ પણ પ્રવાસીને હવે સિક્કાે નાખતાંની સાથે જોઇએ તેટલું ઠંડું, સ્વચ્છ અને મિનરલ વોટર વોટર પ્યોરિફાયર દ્વારા વેન્ડિંગ મશીન દ્વારા સસ્તા ભાવે મળી રહેશે તેવું આઇઆરટીસીના અધિકારી સંદીપ દત્તાએ જણાવ્યું હતું.

You might also like