પ્રવીણ ધવલના ખોફથી પોલીસે મૃતકનાં પરિવારજનોને રક્ષણ આપ્યું

અમદાવાદ: અમદાવાદની હાઇસિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલની 20 ફુટની દીવાલ કૂદીને કાચા કામનો ખુંખાર કેદી પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ ફરાર થઇ જતાં જેલની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. પ્રવીણ જેલ કૂદીને ફરાર થઇ ગયો છે તેવા સમાચાર કુબેરનગરમાં રહેતા એક સોલંકી પરિવારને થતાં તેઓ પણ પ્રવીણ ફરીથી હુમલો કરશે તેવા ખૌફમાં આવી ગયા છે. જેના કારણે સરદારનગર પોલીસે સોલંકી પરિવારને પ્રોટેક્શન પૂરું પાડ્યું છે અને મોચી વાડામાં પોલીસની સુરક્ષા ગોઠવી દીધી છે.

ગત નવરાત્રિ દરમ્યાન મોચી પાડામાં રહેતો પ્રતાપ વશરામભાઇ સોલંકી તથા તેના મિત્રો કપિલ અને પંકજ ઉપર પ્રવીણ ઉર્ફે ભોલા ધવલે અગમ્ય કારણોસર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં પ્રવીણને હત્યાની કોશિશમાં પોલીસે સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. એકાદ મહિના બાદ જેલમાંથી છુટ્યા પછી પ્રવીણ અને પ્રતાપ વચ્ચેની અંગત અદાવતને લઇને પ્રવીણ હંમેશાં તેની પાસે હથિયાર રાખતો હતો.

તારીખ 6 જૂનના રોજ પ્રવીણ તથા તેના ઘરના સભ્યો સાથે મળીને પ્રતાપ ઉપર તલવારો વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પ્રવીણે પ્રતાપના બનેવી હસમુખ ઉપર કાર ચઢાવીને હત્યા કરવાની કોશિશ કરીને ફરાર થઇ ગયો હતો. આ ચકચારી ઘટના બાદ ક્રાઇમ બ્રાંચે પ્રવીણ ઉર્ફે ભોલો ધવલની ધરપકડ કરી હતી

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.પટેલે જણાવ્યંુ છે કે પ્રવીણ જેલ કૂદીને ફરાર થઇ ગયો હોવાના સમાચાર મળતાં જ અમે પ્રતાપના પરિવારને તથા મોચી વાડામાં પોલીસ પ્રોટેક્શન ગોઠવી દીધું છે. પ્રવીણ માથા ભારે ઇસમ છે અને ગમે ત્યારે પ્રતાપની ફેમિલી પર હુમલો કરે તે વાત નકારી શકાય તેમ નથી.

You might also like