અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે યુવા પેઢી સંપૂર્ણપણે સુસજ્જ

અમદાવાદ: નવાવર્ષના સ્વાગત માટે અમદાવાદ શહેરના યુવાનો પણ કમરકસી ચુક્યા છે. જેના ભાગરુપે સાંજે ભવ્ય ઉજવણીનો દોર હાથ ધરવામાં આવનાર છે. આના માટે તંત્રએ પણ તૈયારી કરી છે. નવા વર્ષના સ્વાગત માટે શહેરના તમામ વિસ્તારોમાં જુદા જુદા આયોજન કરવામાં આવી રહ્યા છે. હંમેશાની જેમ જ આ વખતે પણ સીજી રોડ પર વિશેષ આયોજન કરવામાં આવનાર છે.

૩૧મીની ઉજવણી દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પગલા લેવાયા છે. આવતીકાલે સ્ટેડિયમ ચાર રસ્તાથી લઇને પંચવટી સર્કલ સુધી સીજી રોડના સમગ્ર પટ્ટાને બંધ રાખવામાં આવશે. આ વિસ્તારને નો વ્હીકલ ઝોન અને નો પાર્કિંગ ઝોન તરીકે આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના દિવસે રાત્રે આઠ વાગ્યાથી લઇને વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી જાહેર કરવામાં આવશે. લોકો માટે અવરજવરને ધ્યાનમાં લઇને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સાણંદ ચાર રસ્તાથી લઇને વૈષ્ણોદેવી સર્કલ સુધીના પટ્ટામાં પણ ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં. સાંજે સાત વાગ્યાથી લઇને વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી વાહનો બંધ રાખવામાં આવશે. ખાનગી લકઝરી બસોને પણ ઇસ્કોન ચાર રસ્તાથી લઇને નહેરુનગર ચાર રસ્તા તરફ આવવાની મંજુરી અપાશે નહીં.  સાંજે સાત વાગ્યાથી લઇને વહેલી પરોઢ સુધી ઉજવણી કરવા માટે યુવા પેઢી કમરકસી ચુકી છે. બીજી બાજુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને પાર્ટી પ્લાટોમાં નવા વર્ષના સ્વાગત માટે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવાયા છે. નવા વર્ષના સ્વાગત માટે માત્ર અમદાવાદમાં જ નહીં બલ્કે ગુજરાતના અન્ય ભાગોમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે. જોરદાર જસ્ન બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જસ્નની શરૃઆત સાંજે શરૃ થયા બાદ આગલા દિવસ સુધી જારી રહે તેમ માનવામાં આવે છે.

સીસીટીવી મારફતે બધા લોકો પર ચાંપતી નજર પણ રખાશે
નવા વર્ષની ઉજવણીને લઇને યુવા પેઢી તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમરકસી લીધી છે. તમામ જગ્યાઓએ પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. શહેર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, શરાબના નશામાં કોઇ ચેડા ન થાય તે માટે પણ ૧૦ ટીમોની રચના કરવામાં આવી છે. આ વખતે નવા વર્ષની પાર્ટી માટે ૨૮ અરજીઓ આવી હતી જે પૈકી ૧૨ અરજીઓ મંજુર કરાઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે પણ વિવિધ પગલા લેવાયા છે. સીસીટીવીની વ્યવસ્થા પણ કરાઈ છે.

નવા વર્ષની ઉજવણી નિમિત્તે જનમેદની જુદા જુદા વિસ્તારમાં ઉમટી પડે છે. સોલા, વસ્ત્રાપુર, સરખેજ, સેટેલાઇટ, આનંદનગર દ્વારા વિશેષ પગલા લેવામાં આવ્યા છે. ૧૨ વાગ્યા સુધી ઉજવણી કરવાની મંજુરી આપવામાં આવી છે. આનો મતલબ એ થયો કે ૧૨ વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની કોઇને પણ તક આપવામાં આવશે નહીં. વ્યવસ્થાના ભાગરૂપે ચાર એસીપી, ૧૨ પીઆઈ, ૩૦ પીએસઆઈ, ૭૦૦ પોલીસ જવાનો, પીસીઆર વાહનો, ક્વિક રિસ્પોન્સ ટીમો પેટ્રોલિંગમાં રહેશે. ૩૦૦ હોમગાર્ડ, મહિલા પોલીસની ટુકડી પણ તૈનાત રહેશે. સીજી રોડ અને એસજી હાઈવે પર મુખ્યરીતે આયોજન કરવામાં આવે છે. હાઈવે ઉપર આવેલી ક્લબોમાં પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા હોય છે. સીસીટીવીની ગોઠવણી કરવામાં આવી છે. દરેક જગ્યા પર ચેકિંગની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. ફાર્મહાઉસ, હોટલોમાં તપાસ ચાલી રહી છે.

You might also like