શહેરીજનો માટે મ્યુનિ. કોર્પો. બનાવશે ‘અમદાવાદી અેપ’

અમદાવાદ: અત્યાર સુધી અમદાવાદીઓને પોતાના ઘરની બહાર એક જ રાતમાં ખોદાઈ જતા રસ્તાની કોઈ જ ગતાગમ પડતી ન હતી, કેમ કે મ્યુનિ. કોર્પોરેશન લોકોને આ અંગે જણાવવાની લેશમાત્ર તસદી લેતું ન હતું. જાગૃત નાગરિકોને વિગત જાણવા દોડાદોડી કરવી પડતી હતી. જાણે કે શહેરના રસ્તાઓને ગમે ત્યારે ખોદી નાખવા તંત્રનો અબાધિત અધિકાર હોય તેવી મનમાની કરાતી હતી, પરંતુ હવે નાગરિકોને ઘરે બેઠા તેમના સ્માર્ટ ફોન પર તમામ પ્રકારના ખોદકામની માહિતી કોર્પોરેશનની ‘અમદાવાદી એપ’ દ્વારા મળી જશે. શહેરના નેવું ટકા લોકોને પોતાના વોર્ડ કે પોતાના કોર્પોરેટરોનાં નામ તેમના ઘર-ઓફિસનાં સરનામાં, વોર્ડ, ઓફિસ, ઝોનલ ઓફિસની ખબર નથી હોતી.

મ્યુનિ. કમિશનર ડી. થારાએ ‘અમદાવાદી એપ’ અને સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે ‘નો યોર વોર્ડ, નો યોર કાઉન્સિલર એપ’નો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં સમાવેશ કર્યો છે. ઈ ગવર્નન્સ વિભાગ આ બંને મહાનુભાવોના ‘વિઝન’ના આધારે નાગરિકો માટે ‘મોબાઈલ એપ’ વિકસિત કરવા જઈ રહ્યું છે.

ઈ ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિ. મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ કહે છે, “કમિશનરના ‘અમદાવાદી એપ’ના વિઝનથી લોકોને પોતાના વિસ્તારમાં થતા રોડનાં કામો, પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટરની લાઈનના કામો, બ્રેક ડાઉનનાં કામો, રોજબરોજની સાફ સફાઈ સહિતનાં કામોની ફોટા સહિતની જાણકારી પોતાના સ્માર્ટ ફોનમાં મળી જશે. અત્યારે તંત્ર દૈનિક આંતરિક કામગીરી માટે પોતાની એપનો ઉપયોગ કરે છે. હવે પછી ‘અમદાવાદી એપ’માં પણ આવી માહિતી અધિકારીઓ દ્વારા રોજબરોજ પૂરી પડાશે.

જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનના ‘નો યોર વોર્ડ, નો યોર કાઉન્સિલર એપ’નાં બજેટ ઠરાવના અમલીકરણની દિશામાં પણ કવાયત હાથ ધરાઈ છે. આ બંને મફત એપ માટે બજેટમાં રૂ. ૧૫ લાખ ફાળવાયા છે. આગામી જુલાઈથી આ બંને એપ કાર્યરત થઈ જશે. જોકે નાગરિકોને બે એપ ડાઉનલોડ નહીં કરવી પડે ફક્ત ‘અમદાવાદી એપ’ ડાઉનલોડ કરીને લોકો પોતાની આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે તેમ પણ રમ્ય ભટ્ટ કહે છે.

અેપમાં કઈ માહિતી હશે?
કોર્પોરેટરોના વોર્ડના વિકાસ કામોનાં માહિતી
બજેટ અંગેની માહિતી
વોર્ડની મ્યુનિ. અફિસો
વોર્ડની સરકારી ઓફિસો
વોર્ડની સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર
વોર્ડની મ્યુનિ. લાઇબ્રેરી, મ્યુનિ. સ્વિમિંગપૂલ, કોમ્યુનિટી હોલ
વોર્ડનું મ્યુનિ. જન્મ,મરણ નોંધણી કેન્દ્ર, રસીકરણ કેન્દ્ર
વોર્ડનું બસ ટર્મિનસ, BRTS સ્ટેન્ડ

You might also like