સુભાષબ્રિજ નજીક પેપરનાં ગોડાઉનમાં વહેલી સવારે અાગ લાગતાં અફરાતફરી

અમદાવાદ: સુભાષબ્રિજ નજીક અારટીઓ પાસે અાવેલા પેપરના ગોડાઉનમાં અાજે વહેલી સવારે ભીષણ અાગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદ્નસીબે અા બનાવમાં કોઈ જાનહા‌િન કે કોઈને ઈજા થવા પામી નથી.

ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુભાષબ્રિજ નજીક અારટીઓ પાસે બીઅારટીએસ બસસ્ટેન્ડની પાછળ કોઠારી ચપ્પલ હાઉસની બાજુમાં અાવેલા પેપરના ગોડાઉનમાં અાજે સવારે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગના વિકરાળ સ્વરૂપના કારણે અાજુબાજુના રહીશોમાં ભયની લાગણી ફેલાતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરો સાથે પહોંચી જઈ અાગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે, જોકે અા લખાય છે ત્યાં સુધી અાગ અંકુશમાં અાવી નથી. અાગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અાગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા
મળ્યું નથી.

બીજી તરફ પીપળજ ગામમાં આવેલા મહેશ્વરી એસ્ટેટમાં કાપડ પર પ્રોસેસ કરતી એક કંપનીમાં ગત રાત્રે સ્ટીમ બોઇલર ફાટ્યું હતું. સ્ટીમ બોઇલર ફાટતાં જ આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ બનાવમાં કોઇ પણ વ્યક્તિને જાનહા‌િન થવા પામી નહોતી તેમજ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં વંદના મેટલ ફેક્ટરી નામની કાપડની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં ગત મોડી રાત્રે ર.૩૦ વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ફેક્ટરીમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં બે ગાડીઓએ ઘટનાસ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી.

You might also like