અમદાવાદનાં સી.જી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી ઓન સ્ટ્રીટ પાર્કિંગ

અમદાવાદઃ શહેરનાં રોનક સમાન ગણાતા સી.જી રોડ પર પ્રતિ કલાકનાં દરથી સ્ટ્રીટ પાર્કિંગનાં ચક્રો ગતિમાન કરાયાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા મહિના અગાઉ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીનાં સીજી રોડ પર પહેલી વાર પ્રતિ કલાકના દરથી પાર્કિંગના ચાર્જ નક્કી કરાયા હતાં.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને વધુને વધુ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા ઓન સ્ટ્રીટ પાર્કિંગનાં અભિગમને અપનાવાયો છે. જે હેઠળ શહેરના ૨૫ મોડલ રોડનાં ટ્રાફિકને નડતરરૂપ ન હોય તેવા ખાંચા શોધીને ત્યાં ઓન સ્ટ્રીટ પાર્કિંગને લગતી વિચારણા હાથ ધરાઇ છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા મોડલ રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગની જાહેરાતની શક્યતા છે. જ્યાં પ્રતિ કલાકના દરે પાર્કિંગ ચાર્જ વસૂલાશે.

જો કે શહેરની રોનક સમાન સીજી રોડ પર પ્રતિ કલાકના દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની એક મહિના પહેલાં જ સત્તાધીશોએ જાહેરાત કરી હતી. સીજી રોડ પર કેટલાક વેપારી લાંબા સમય સુધી પોતાનાં વાહનને પાર્ક કરતાં હોઈ તંત્ર દ્વારા પ્રતિ કલાકના દરથી પાર્કિંગ ચાર્જની દિશામાં કવાયત આરંભાઈ છે.

ગત તા. ૨ સપ્ટેમ્બરે સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના સીજી રોડની પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફના રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેનાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં હતાં. આગામી તા. ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરીને પરત કરવાનાં રહેશે. ત્યાર બાદ એકાદ મહિનામાં પાર્કિંગને લગતી તંત્રને વધુમાં વધુ ફી ચૂકવનાર કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાઈને સીજી રોડ પર પ્રતિ કલાકના દરે ઓન સ્ટ્રીટ પાર્કિંગ અમલમાં આવી જશે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સીજી રોડના ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે પ્રતિ કલાકના દરથી ટુ વ્હીલર માટે રૂ. પાંચ, રિક્ષા માટે રૂ. દશ અને ફોર વ્હીલર માટે રૂ. વીસ ચૂકવવા પડશે. જે હાલમાં બે કલાક માટે ક્રમશઃ રૂ. છ, બાર અને અઢાર છે. સ્ટેડિયમથી પંચવટી સુધીના સીજી રોડ પર ૮૩૯ ટુ વ્હીલર અને ૪૧૫ ફોર વ્હીલર મળીને કુલ ૧૨૫૪ વાહન પાર્ક કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવરંગપુરાનાં મલ્ટી સ્ટોરિડ પાર્કિંગના દર સીજી રોડના ઓન સ્ટ્રીટ પાર્કિંગના દર કરતાં ઓછા રખાયા છે, પરંતુ નવરંગપુરાથી પરિમલ ગાર્ડન સુધી દર પાંચ મિનિટે બસ દોડાવવાની તંત્રની જાહેરાતનો સીજી રોડના વેપારીઓના સહકારના અભાવે ફિયાસ્કો થયો છે.

You might also like