અમદાવાદ સ્વચ્છતામાં રાજ્યમાં નંબર વન, પ્રતિનિધિઓ છે ગંદકીથી નારાજ

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક જામના પ્રશ્નો, હલકી ગુણવત્તાના રોડની સમસ્યા, ઊભરાતી ગટર કે બંધ સ્ટ્રીટલાઈટ જેવી ફરિયાદોની સાથે-સાથે ગંદકીથી પણ નાગરિકો પરેશાન છે. ચોમાસામાં તો ગંદકીના કારણે મચ્છરોનો ઉત્પાત ફેલાઈને ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ઘાતક રોગના ભરડામાં આવીને નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડે છે. તેમ છતાં અસારવા વોર્ડમાં સ્વચ્છતા જળવાતી ન હોઈ ખુદ સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ પરમાર ત્રાસી ઊઠ્યા છે.

તાજેતરમાં મળેલી એમપી-એમએલએની સંકલન સમિતિની બેઠકમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતાના અસારવા વોર્ડમાં તંત્ર દ્વારા નિયમિત સાફસફાઈ હાથ ધરાતી ન હોઈ ગંદકીની વારંવાર ફરિયાદ ઊઠતી હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં ખુદ ભાજપના આ ધારાસભ્યની નિયમિત સાફ સફાઈ અંગે જવાબદાર અધિકારીઓને કરાતી તાકીદની પણ છડચોક અવગણના કરાઈ રહી છે.

પ્રદીપ પરમારે સંકલન સમિતિમાં હાજર મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર સમક્ષ આ સંદર્ભે પોતાનો બળાપો પણ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓને વારંવાર સૂચના આપવા છતાં મારા વોર્ડમાં યોગ્ય રીતે સાફસફાઈ કરાતી નથી.

ભાજપના ધારાસભ્યની સૂચના કે તાકીદ હોવા છતાં મ્યુનિસિપલ અધિકારીઓ ગાંઠતા નથી તેવું ચિત્ર સંકલન સમિતિમાં ઉપસતાં કમિશનર મૂકેશકુમાર દ્વારા બાબતને ગંભીરતાથી લેવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગયા શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન-૨૦૧૮ હેઠળ અમદાવાદને ગુજરાતનું સૌથી સ્વચ્છ અને દેશના ૧૨મા સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરાયો છે. આવા સંજોગોમાં ધારાસભ્ય પ્રદીપ પરમારની અસ્વચ્છ અસારવાની ફરિયાદ અા એવોર્ડ અંગે પણ વિવાદ ઊભો કરે છે.

એમપીએમએલએની સંકલન સમિતિની બેઠકમાં અસારવાની ગંદકી ઉપરાંત જયંતી ચુનીલાલની ચાલી, મોની લલ્લુની ચાલી, ગુજરાત હાઉસિંગ બ્લોક નંબર ૧૪૬, સૂર્યનગર સોસાયટી, સિંહેશ્વરીની ચાલી, હુકમસિંહની ચાલી ઉપરાંતની અન્ય જગ્યાએ સતત આવતા ગંદા પાણીની સમસ્યાના નિરાકરણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.

ભાજપના અન્ય ધારાસભ્ય બલરામ થાવાણીએ પણ સરદારનગર વોર્ડની નાના ચિલોડા વિસ્તારની ૬૫ સોસાયટીમાં બોરથી ઉપલબ્ધ કરાતું પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદ કરતાં વધુમાં જણાવ્યું હતું કે જીઆઈડીસીની ફેક્ટરીઓ જમીનની અંદર દૂષિત પાણી છોડતી હોઈ તે માટે જવાબદાર છે.

You might also like