નિકોલમાં પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારી થઈ

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઇ કાલે પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નિકોલ પોલીસે મારામારીની ફરિયાદ દાખલ કરીને ત્રણ મહિલાઓની અટકાયત કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પાણીના મુદ્દે મહિલાઓ વચ્ચે તકરાર ચાલતી હતી.

નિકોલ વિસ્તારમાં આવેલ ડાયમંડ મિલની પાછળ રામદેવપીરના ટેકરામાં મહેન્દ્રભાઇના મકાનના ભાડાના મકાનમાં રહેતાં જાગૃતિબહેન અનિલભાઇ શર્માએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના પાડોશમાં રહેતાં સુમનબહેન કૈલાસભાઇ જાદોન સહિત ત્રણ મહિલાઓએ પાણી ઢોળવા મામલે હુમલો કરીને મારી સાથે મારામારી કરી છે. છેલ્લા ઘણા સમયથી પાણી ઢોળવાના મુદ્દે બન્ને પરિવાર વચ્ચે તકરાર ચાલે છે. ગઇ કાલે અચાનક આવીને સુમનબહેન સહિતની ત્રણ મહિલાઓએ જાગૃતિબહેન પર હુમલો કરી દીધો હતો અને તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં.

બન્ને પરિવારની મહિલા વચ્ચે થયેલી મારામારીને સ્થા‌િનકોએ ઠાળે પાડી હતી, જોકે જાગૃતિબહેન નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા પહોંચી ગયાં હતાં. નિકોલ પોલીસે સુમનબહેન સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તેમની અટકાયત કરી છે.

You might also like