નિકોલ ડિમોલિશન બાદ અોપરેશન ઢાંકપિછોડો!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના નિકોલ ગામ રોડ ખાતેના ડિમોલિશને ચાર નિર્દોષ નાગરિકોનો ભોગ લીધા બાદ હવે તપાસ સમિતિના ઓઠા હેઠળ ભીનું સંકેલવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ જ મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારી છતી જાય છે. તેમ છતાં ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા હોઇ પ્રજામાનસમાં સત્તાધીશોનું ‘ઓપરેશન ઢાંકપિછોડો’ ચર્ચાસ્પદ બન્યું છે. બનાવના ૪૮ કલાક પછી પણ નામજોગ ફરિયાદ પોલીસે દાખલ કરી નથી. પોલીસ કહે છે કે મ્યુનિસિપલ સત્તાવાળાઅો પાસે ડિમોલિશન માટે જવાબદાર અધિકારી-કર્મચારીઅોની યાદી ગઈકાલે બુધવારે જ માંગવામાં અાવી હતી. જો કે અા લખાય છે ત્યાં સુધી મ્યુનિસિપલ તંત્રઅે અા યાદી અાપવાની કોઈ દસ્દી લીધી નથી.

તપાસકર્તા એસપી આર. વી. નંદાસણાએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધતાં દબાણ દૂર કરવાની કામગીરીમાં ખાતાના કયા અધિકારીઓ, માણસો હતા? કેટલા માણસો દબાણની કામગીરી કરવા આવ્યા હતા? જેવી તમામ વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મગાવાઇ છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવામાં આવી છે કે કેમ? તેની પણ માહિતી મગાવી છે. હાલ સાક્ષીઓનાં નિવેદનો વગેરે લેવાની કાર્યવાહી કરાશે. કોર્પોરેશન પાસે ગઇ કાલની માહિતી મગાવાઇ છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ માહિતી આપવામાં આવી નથી.

ડિમોલિશન હાથ ધરાયું તે સમયેે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ, ત્રણ આસિ. ટીડીઓ ચંદ્રકાન્ત પરમાર, અરવિંદ પરમાર અને એસ. શિંગાડા હાજર હતા. આસિ. કમિશનર પરાગ શાહ હાજર હતા આ ઉપરાંત સ્થાનિક વોર્ડ સ્તરના અધિકારીઓ પણ સ્વાભાવિકપણે હાજર હતા.

પોલીસ અને મ્યુનિ. તંત્ર મોટાં માથાંઓને છાવરવા જેસીબીચાલક જેવા નાના કર્મચારીને બલિનો બકરો બનાવાશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. લોકો સ્પષ્ટપણે એવું માને છે કે નિકોલમાં ઓપરેશન ડિમોલિશન બાદ પોલીસ અને કોર્પોરેશન વચ્ચેની ગુપ્ત સમજૂતી અનુસાર હવે ઓપરેશન ઢાંકપિછોડો ચાલી રહ્યું છે એટલે ૪૮-૪૮ કલાક બાદ પણ ગુનેગારોનાં નામ મેળવવા કે આપવામાં આટલો વિલંબ થઇ રહ્યો છે. જે પ્રકારે નિકોલમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું તેમાં કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર કિશોર બચાણીથી લઇને એસ્ટેટ વિભાગના આસિ. ટીડીઓ શિંગાડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સીધા જવાબદાર છે. આમાં એક અને એક બરાબર બે જેવું સાવ સીધુંસાદું ગણિત છે. તેમ છતાં સત્તાધીશો કેમ કારણ વગરના ગુણાકાર-ભાગાકાર કરીને સમય બગાડી રહ્યા છે. કોર્પોરેશનના અત્યાર સુધીના ઇતિહાસની આ સૌથી મોટી કલંકિત ઘટના માટેના પ્રજાના ગુનેગારોને સંતાડવામાં આવી રહ્યા છે તેમ રોષભેર લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

ડિમોલિશનકાંડ સામે લોકોમાં ભભૂકતો રોષ: નિકોલ સજ્જડ બંધ!

અસરગ્રસ્તો ફોજદારી કેસ માટે હાઇકોર્ટ જશે
કોર્પોરેશનની અણઘડ કામગીરીથી ચાર-ચાર નાગરિકોનાં અકાળે મૃત્યુ થવાથી નિકોલ રોડ મકાન, દુકાન બચાવ સમિતિના અગ્રણીઓએ જવાબદારો સામે ફોજદારી કેસ કરવા હાઇકોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. આજે હાઇકોર્ટમાં હંગામી સ્ટે બાદની સુનાવણી પણ હાથ ધરાશેે. એક તરફ નિકોલમાં મૃતક પોપટભાઇની પુત્રી હૈયાફાટ રૂદન કરી રહી છે. સુનીલ પટેલની સગર્ભા પત્નીના રડી રડીને બેહાલ થયાં છે. મૃગેશ પટેલના મોતથી વિધવા માતાના પરિવારનો મોભી જતો રહ્યો છે. બીજી તરફ નઘરોળ મ્યુનિ. તંત્રમાં આજથી ચાર દિવસની સળંગ રજાનો મૂડ જોવા મળી રહ્યો છે. મૃતકોના પરિવારજનોના વિલાપની કોઇ અસર ન હોય તેમ કેટલાક જાડી ચામડીના અધિકારીઓ-કોર્પોરેટરો વિના સંકોચે એવું કહી રહ્યા છે કે ‘ચાર દિવસની રજાના મૂડમાં છીએ! નિકોલને ભૂલી જાવ, હવે સોમવારે વાત!’

દુકાનદારોને લેખિત નોટિસ વિના ડિમોલિશન કરાતાં દુર્ઘટના બની

આનંદીબહેનની કડક તપાસ કરવાની સૂચના છેઃ મેયર
મેયર ગૌતમ શાહ કહે છે કે, “આ મામલે ખુદ આનંદીબહેને વ્યવસ્થિત અને કડક તપાસ કરવાની તંત્રને સૂચના આપી છે. કરુણાંતિકાને લગતા ત્રણ વીડિયો તપાસ સમિતિને સોંપાયા છે. તપાસ સમિતિ ર૦ દિવસમાં રિપોર્ટ સોંપશે એટલે જવાબદારોનાં નામ અમને મળશે. જેને આધારે આગળ વધી શકાશે. મૃતકોના પરિવારજનોને અન્ય રીતે સહાય કરવા પણ કોર્પોરેશન ગંભીર છે.”

નિકોલના દુકાનદારોએ છેક ૨૦૧૧માં સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી

બનાવના ૪૮ કલાક પછી પણ પોલીસનું રટણઃ ‘તપાસ ચાલુ છે’
પહેલી વખત મંગળવારની સાંજે મ્યુનિ. સત્તાધીશોએ કમિશનર ડી. થારાની એક સદસ્યવાળી સમિતિના ગઠનની જાહેરાત કરી ત્યાર બાદ ગણતરીના કલાકોમાં આ તપાસ સમિતિમાં ત્રણ ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરાઇ અને હવે ગઇ કાલે સાંજે રાજ્ય સરકારના વિજિલન્સ વિભાગના નિષ્ણાત એન્જિનિયરને સમિતિમાં મૂકવા સરકારને ભલામણ કરાઇ હોવાની જાહેરાત ડી. થારાએ કરી. આમ, ગણતરીના કલાકોમાં તપાસ સમિતિમાં નાટ્યાત્મક ફેરફાર થઇ ગયા!

અધિકારી-કોર્પોરેટરો રજાના મૂડમાં!
એક તરફ નિકોલમાં મૃતક પોપટભાઇની પુત્રી હૈયાફાટ રૂદન કરી રહી છે. સુનીલ પટેલની સગર્ભા પત્નીના રડી રડીને બેહાલ થયાં છે. મૃગેશ પટેલના મોતથી વિધવા માતાના પરિવારનો મોભી જતો રહ્યો છે. બીજી તરફ નઘરોળ મ્યુનિ. તંત્રમાં આજથી ચાર દિવસની સળંગ રજાનો મૂડ જોવા મળી રહ્યો છે. મૃતકોના પરિવારજનોના વિલાપની કોઇ અસર ન હોય તેમ કેટલાક જાડી ચામડીના અધિકારીઓ-કોર્પોરેટરો વિના સંકોચે એવું કહી રહ્યા છે કે ‘ચાર દિવસની રજાના મૂડમાં છીએ! નિકોલને ભૂલી જાવ, હવે સોમવારે વાત!’

You might also like