ડિમોલિશન કાંડઃ ૭૨ કલાક પછી પણ અધિકારીઓનાં નામ મ્યુનિ. સત્તાવાળા અાપતા નથી

અમદાવાદ: ગયા મંગળવારે સવારે કોર્પોરેશનની ગુનાઇત બેદરકારીથી નિકોલ ગામ રોડ ખાતે ડિમોલિશન દરમિયાન ચાર નાગરિક જીવતા દટાયા હતા. આ કરુણાંતિકાને ૭ર કલાક વીતિ ગયાં છે. પોલીસ તંત્ર મ્યુનિ. સત્તાવાળાઓ પાસે આ કામગીરી દરમિયાન ફરજ પર હાજર સ્ટાફના નામો માગી રહ્યંુ છે તેમ છતાં શાસકો નામ આપવાને બદલે વીડિયોનો ચીપિયો પછાડે છે.

નિકોલ કરુણાંતિકાની તપાસ કરતાં એસીપી આર.વી. નંદાસણાએ કોર્પો. પાસે દબાણ દૂર કરવાની કામગીરીમાં સંલગ્ન સ્ટાફની વિગતો મગાવી છે. પરંતુ તંત્ર ૩ દિવસ વીત્યા બાદ પણ નામ આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. બીજી તરફ શાસકોને પણ પોલીસ તંત્રને યોગ્ય સહકાર આપવામાં રસ હોય તેમ લાગતું નથી. શહેરના મેયર ગૌતમ શાહ કહે છે, પોલીસ સત્તાવાળાઓને સમગ્ર ડિમોલિશનને લગતા ૩ વીડિયો સુપરત કરાયા છે. જેના આધારે તપાસ આગળ ધપાવી શકાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ પણ વીડિયો પર જ ભાર મૂકી રહ્યા છે. તેઓ કહે છે, આ વીડિયોમાં પોલીસ અધિકારીઓ મંજિતા વણજારા (એફ ડિવિઝન. એસીપી) અને વાઘેલા (સેકટર-ર જેસીપી) તેમજ ફરજ પરના મ્યુનિ. સ્ટાફ નજરે પડે છે.

બીજી તરફ આ સમગ્ર બાબતે તપાસ કરવા નીમાયેલી તપાસ સમિતિએ હજુ સુધી તપાસનો ‘ત’ પણ ઘૂંટ્યો હોય તેમ લાગતું નથી. આજે રામ નવમીની જાહેર રજાનો માહોલ તંત્રમાં છે. રાજ્ય સરકાર પાસેથી વિજિલન્સ વિભાગના અધિકારી કે નિષ્ણાત ઇજનેરની નિમણૂકનો આગ્રહ કોર્પોરેશને રાખ્યો છે. પરંતુ હજુ સુધી તપાસ સમિતિના ચોથા સભ્ય નીમાયા નથી. એટલે સ્થળ મુલાકાત પણ સંભવી શકી નથી. જોકે કિશોર બચાણી,આર. બી. બારડ કે પરાગ શાહ પૈકી એક પણ મ્યુનિ.ઉચ્ચ અધિકારી આજે પણ ફોન ઉપાડવાની તસદી લેતા નથી.

You might also like