ડિમોલિશનકાંડ સામે લોકોમાં ભભૂકતો રોષ: નિકોલ સજ્જડ બંધ!

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ગઇ કાલે મ્યુુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન દીવાલ ધસી પડતાં ચાર લોકોનાં દટાઇ જવાથી મોત નીપજ્યાં હતાંં. મ્યુનિ. તંત્રની બેદરકારીના કારણે ચાર વેપારી યુવકોનો ભોગ લેવાતાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તથા કોંગ્રેસ દ્વારા મૃતક વેપારીઓને શ્રદ્ધાંજલિ આપવા નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજ સવારથી જ સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

નિકાેલના દુકાનદારોએ છેક ૨૦૧૧માં સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી

જેસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સવારથી જ સમગ્ર નિકોલ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહ્યા છે. પાસના અતુલ પટેલ અનેે વરુણ પટેલ દ્વારા નિકોલ વિસ્તારમાં ફરીને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પાસના કાર્યકરો, સરદાર પટેલ ગ્રૂપના કાર્યકરો તથા કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે નિકોલના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોઅે જવાબદારો સામે સખત કાર્યવાહીની માગણી કરી છે.

દુકાનદારોને લેખિત નોટિસ વિના ડિમોલિશન કરાતાં દુર્ઘટના બની

ગઇ કાલે સવારે મ્યુનિ.ના ઉત્તર ઝોનના ટીડીઓ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે નિકોલના સરદાર મોલ સામે આવેલી મનમંદિર ચેમ્બર્સની દુકાનો જે ટીપી-૬પ રોડ પહોળો કરવા દબાણમાં આવતી હતી તેને તોડવા પહોંચી હતી. મ્યુનિ.ના અધિકારીઓ પહોંચતા મહિલાઓના ટોળાં ભેગાં થઇ ગયાં હતાં અને તંત્રને દબાણ દૂર ન કરવા આજીજી કરી હતી. પરંતુ તંત્ર ન માનતાં દુકાનો તોડવાનું શરૂ કર્યું હતું. એક સ્ટેશનરીની દુકાનમાં કેટલાક લોકો હતા. જેસીબી મશીન એક દુકાને ટચકો મારી અને આગળ આવેલી દુકાનને તોડવા ગયું હતું અને તરત જ દુકાન ધડાકાભેર તૂટી પડી હતી. દુકાનની દીવાલ નીચે પાંચ લોકો દટાઇ ગયા હતા.

આ ઘટના બનતાં જ દબાણ દૂર કરવા આવેલા મ્યુનિ. તંત્રનો કાફલો ત્યાંથી નાસી છૂટ્યો હતો અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તમામ મૃતદેહોને ફાયરબ્રિગેડે બહાર કાઢી લીધા હતા. આ કરુણ ઘટના બની હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ કે નેતાઓ ત્યાં ફરક્યા નહોતા. લોકોના રોષને પારખી લઇ પોલીસ કમિશનર શિવાનંદ ઝા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા.

આ ઘટનાને પગલે આજે નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યુંછે.
સ્થાનિક લોકોએ મ્યુનિ. કમિશનર, મેયર અને ધારાસભ્ય ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરંતુ પોલીસની સમજાવટ બાદ ન્યાયની ખાતરી અપાતાં તમામના મૃતદેહને પી.એમ. માટે મોકલી અપાયા હતા.
ગત રાત્રે તમામ મૃતકોની સ્મશાનયાત્રા નીકળી હતી. ચારેય પાટીદાર યુવકોની નિકોલમાંથી રાત્રે સ્મશાનયાત્રા નીકળતાં ભારે ગમગીની છવાઇ હતી. આખી રાત સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સરકારે મૃતકના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂ.પ૦,૦૦૦ની સહાય જાહેર કરી છે. આ કામગીરી અંગે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરાતાં હાઇકોર્ટે મ્યુનિ. કમિશનર સહિતના લોકોને નોટિસ ફટકારી અને ર૧મી એપ્રીલ સુધી દબાણની કામગીરી સામે સ્ટે આપ્યો છે.

આ કેસની તપાસ એસીપી આર.વી.નંદાસણાને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ જેસીપી જે.કે. ભટ્ટે જણાવ્યું કે હાલમાં એફએસએલની મદદ લેવાઇ રહી છે. કોણ જવાબદાર વ્યકિત હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં એસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી કાર્યવાહી કરાશે.

You might also like