શહેરમાં ચાર નવા ફલાય ઓવરબ્રિજ બનાવાશે

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા વિવિધ ચાર જગ્યાએ ફલાય ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામા આવ્યું છે. જેમાં રાણીપ, હાટકેશ્વર, ઈન્કમટેક્ષ ચાર રસ્તા અને અંજલિ ચાર રસ્તા ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર જંકશન ઉપર અને દિનેશ ચેમ્બર જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ માટે ૫૦ કરોડનો ખર્ચ થવા તેમજ ઈન્કમટેક્ષ ચાર રસ્તા ઉપર ૭૫૫ મીટર લાંબો ફલાયઓવર આશરે ૫૦ કરોડના ખર્ચે, અંજલી ચાર રસ્તા પર ૬૦૦ મીટર લાંબો ફલાય ઓવરબ્રિજ  બનાવવા ૫૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ ઉપરાંત હયાત બ્રિજ  પર માઈક્રો સરફરેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે શહેરના પ્રવાસીઓની સુખાકારી માટે તથા અસરકારક જાહેર પરિવહન સેવા પૂરી પાડવા એએમટીએસ અને બીઆરટીએસ સાથે કુલ બસોનું ફલીટ ૧૧૦૦ રાખવામાં આવશે.તથા વર્ષ ૨૦૧૬-૧૭માં વધુ ૭૫ મિડિ બસો બીઆરટીએસ ટ્રેકમાં મૂકવામાં આવશે. અને તે રીતે ટ્રાફિકનું ભારણ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના નવા પશ્વિમઝોનમાં આવેલા બોડકદેવમાં ટીપી નંબર-૫૦ એફ.પી. ૩૮૨ કેન્સવિલા ગોલ્ફ કલબની સામે આધુનિક સુવિધાયુકત ઓડિટોરિયમ બનાવવાનું કામ ચાલુ છે. આ કામનો ખર્ચ ૩૬.૭૩ કરોડ છે. આ સિવાય મધ્યઝોનમાં જમાલપુર વોર્ડમાં ટીપી-૦૧ એફપી-૮-૩ એેને પાર્ટીપ્લોટ અંદાજીત ૧.૨૫ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. તેમજ મધ્યઝોનના લાલાકાકા હાલનો હયાત જુનો એક માળનો હોલ તોડીને દોઢ કરોડના ખર્ચે નવા  બે માળનો આધુનિક સુવિધાયુકત હોલ બનાવવામા આવશે.

જ્યારે ગોમતીપુરમાં શહીદ વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં દોઢ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. તેમજ નિકોલ  વોર્ડમાં સુવિધાયુકત કોમ્યુનિટી હોલ બનાવવાની માગણી સંદર્ભે ૩૦૪૫ ચો.મી. પ્લોટની ફાળવણી કરવામા આવી છે. જે હોલ ૨.૯૯ કરોડના ખર્ચે બનાવવામા આવશે. જે માટે પ્રારંભિક તબક્કે એક કરોડની ફાળળણી કરવામાં આવી છે.

You might also like