મ્યુનિ. કોર્પોરેશનનું કામ હવે ટ્રાફિક પોલીસ કરશે

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક નિયમન કરવા માટે મૂકવામાં આવેલી ટ્રાફિક પોલીસને હવે વધુ એક ફરજ બજાવી પડશે. ટ્રાફિક પોલીસને હવે ટ્રાફિક નિયમન કરવાની સાથે તેમની ફરજના વિસ્તારમાં લારી ગલ્લાનાં દબાણો અંગે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીને જાણ કરી દબાણ દૂર થાય તે જોવાનું રહેશે. આ કામગીરીનો અહેવાલ પણ ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે. ટ્રાફિક પોલીસના કેટલાક કર્મચારીઓ લારી ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાની ફરિયાદો ઊઠતી હોય છે. આવા કર્મચારીઓએ પણ દબાણ હટાવવાની કપરી કામગીરી બજાવવી પડશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા જે રીતે વકરી છે તેનો નિકાલ કરવા માટે પોલીસ દ્વારા અવારનવાર નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હોય છે. શહેરમાં સંખ્યાબંધ ઓવર‌િબ્રજ બન્યા છે. રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે, છતાં પણ ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો. શહેરીજનોને ટ્રાફિકના નિયમ અંગે જાગૃત કરવા માટે દંડની રકમ પણ વધારવામાં આવી છે.

શહેરના અનેક રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાનાં દબાણો જોવા મળે છે. રિક્ષાવાળાઓ માટે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા અલગથી રિક્ષા સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અવારનવાર દબાણને હટાવાયાં છે. પણ ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કર્મચારીઓની સાઠગાંઠને લીધે દબાણ કરવાવાળા ફરી જે તે જગ્યાએ ગોઠવાઇ જાય છે. ટ્રાફિક પોલીસના કેટલાક કર્મચારીઓ પણ લારી ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોય છે. બેઠક શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ટ્રાફિક પોલીસ દબાણો દૂર કરવાની કામગીરી કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ પોલીસ કર્મચારીઓ એ જ ફોન કરીને દબાણની ગાડીઓ બોલાવાની રહેશે. આ કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ કરાશે.

શહેરમાં દરરોજ એક વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં ક્યા ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કેટલું દબાણ હટાવામાં આવ્યું તેની માહિતી ઉચ્ચ અધિકારી સમક્ષ વીડિયો સાથે રજૂ કરવાની રહેશે. આ અંગે ટ્રાફિક ઇન્ચાર્જ જેસીપી રાજીવ રંજન ભગતે જણાવ્યું કે શહેરના કેટલાક વિસ્તારમાં લારી ગલ્લાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે જેથી ટ્રાફિક પોલીસ હવે જ્યાં પણ લારી ગલ્લાનું દબાણ વધારે લાગશે તે સ્થળ પરથી એએમસીમાં ફોન કરી દબાણની ગાડી બોલાવી દબાણ દૂર કરશે.

You might also like