મ્યુનિ. તંત્ર મોલ પર ‘મહેરબાન’ ખાદ્ય પદાર્થના નમૂના લેવાતા જ નથી

અમદાવાદ: દેશના અન્ય મુંબઇ, દિલ્હી જેવા મેટ્રો શહેરની જેમ અમદાવાદમાં પણ ‘મોલ સંસ્કૃતિ’ને નાગરિકોઅે અપનાવી છે.. હવે તો ખ્યાતનામ કંપનીના મોલ ઉપરાંત જે તે વિસ્તારમાં પ્રતિષ્ઠિત વેપારીએ વિશાળ એસી હોલમાં સુપર માર્કેટનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમાં પણ ઉનાળાની ભીષણ ગરમીમાં મોલની ઠંડક સાથેની ધીમા સંગીતની રંગત માણવા જનારા ગ્રાહકોની સંખ્યા સ્વાભાવિકપણે વધે છે.

મોલની ચમકદાર સજાવટમાં એ ટુ ઝેડ શ્રેણીની ખાદ્ય વસ્તુઓ એક જ જગ્યાએ સહેલાઇથી મળતી હોઇ અનેક ગૃહિણીઓ તો મહિનાભરનું કરિયાણું જ ખરીદી લે છે. કેમ કે ગૃહિણીઓના હૃદયમાં જે તે મોલના બ્રાન્ડેડ નામનો પણ વિશ્વાસ હોય છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સમગ્ર વર્ષ દરમિયાન મોલની ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવાનો ગંભીરતાથી પ્રયાસ જ કરતા નથી.

જાણે કે તંત્ર મોલ પર મહેરબાન હોય તેમ કોઇ પણ સિઝન હો પણ મોલમાં વ્યાપકપણે દરોડા પાડીને ખાદ્યપદાર્થોના નમૂના મ્યુનિસિપલ લેબમાં તપાસણી માટે મોકલાતા નથી. મ્યુનિસિતલ તંત્રના હેલ્થ વિભાગ દ્વારા દૂધના નમૂના માટે શહેરની વિભિન્ન ડેરીમાં દરોડા પડાયા હતા.

તંત્રે કેરીની સિઝનને ધ્યાનમાં રાખીને મેંગો મિલ્ક શેકના પણ વિભિન્ન સ્થળોએથી નમૂના લીધા હતા. આવી કામગીરીને હેલ્થ વિભાગની સિઝનલ કામગીરી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત રૂટિન કામગીરી હેઠળ વિભિન્ન ખાદ્ય પદાર્થના દરરોજ ૧૦થી ૧ર નમૂના લેવાય છે.

જોકે શહેરના મોલ જાણે કે તંત્રની સિઝનલ કહો કે રૂટિન કામગીરી પણ તંત્રની હેલ્થ ફલાઇંગ સ્કવોડની ટીમ ભાગ્યે જ કોઇ મોલનાં પગથિયાં ચઢીને ત્યાંનાં ઝાકમઝાળ ભર્યા માહોલમાં વેચાતા ખાદ્ય પદાર્થની ગુણવત્તા તપાસવાની તસદી લે છે.

‘હાથ કંગન કો આરસી કયા ઔર પઢે લિખે કો ફારસી કયા’ ની જેમ છેક ર૦૧પથી ગત તા.ર૦ એપ્રિલ ર૦૧૮ સુધીના વિવિધ મોલમાંથી લેવાયેલા નમૂનાની સત્તાવાર માહિતી જ ભારે ચોંકાવનારી છે. જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખને અપાયેલા સત્તાવાર આંકડા મુજબ આટલા લાંબા સમયગાળા દરમિયાન મોલમાંથી ફકત અને ફકત ૩૯ નમૂના લેવાયા છે. જે પૈકી માત્ર ચાર નમૂનાને જ અપ્રમાણિત જાહેર કરાયા છે.

કોર્પોરેટર શાહનવાઝ શેખ કહે છે કે તંત્ર પાસે કયા મોલમાંથી કેટલા નમૂના લેવાયા અને તેમાંથી કેટલા અપ્રમાણિત ઠર્યા તેની વર્ષવાર માહિતી માગી હતી કે જે હજુ સુધી આવી નથી. આ તો ઠીક જે મોલના નમૂના અપ્રમાણિત ઠર્યા છે તો તે પૈકી કયા નમૂના અનસેફ, સબસ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ છે તેની વિગત પૂરી પડાઇ નથી.

જો નમૂના અનસેફ હોય તો તેવા કિસ્સામાં સત્તાવાળાઓએ મેટ્રોપોલિટન કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવો પડે છે. જોકે આ બાબતથી પણ મને અંધારામાં રખાયો છે. અા અંગે હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. ભાવિન સોલંકીનો સંપર્ક કરતા તેમણે વાત કરવાનું ટાળ્યું હતું.

You might also like