દુર્ગંધ અને ગંદકીથી ખદબદતા ગાર્ડનમાં ‘કરફ્યુ’ જેવો માહોલ

અમદાવાદ: વિકાસના દાવા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાખોના ખર્ચે ગાર્ડનની સાથે તળાવો બનાવાયાંં છે.શહેરના આર સી ટેકનિકલ કોલજની બાજુમાં ભૂલકાંઓ માટે એકમાત્ર સ્થળ એવા બગીચામાં ગટરના પાણીથી ગંદકી ફેલાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બગીચા બાબતે સ્થાનિક તેમજ બગીચામાં આવતા લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

આર સી ટેકનિકલ કોલજની બાજુમાં ગાર્ડનના તળાવમાં ગટરનું પાણી આવતાં તેનો કોઈ જગ્યાએ નિકાલ ન હોવાના કારણે હાલત હાલ ખૂબ જ કફોડી બની ગઈ છે. અધૂરામાં પૂરું આ સ્થળે બાળકો, નાનાં ભૂલકાંઓ માટેના હીંચકા, લપસણી, ભુલભુલામણીના સ્થળે ગટરનાં પાણીથી ગંદકી જોવા મળે છે.આ ગટરમાંથી ખરાબ દુર્ગંધ આવે છે તેના કારણે રાતના સમયે મચ્છર નું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બગીચા માટે સ્થાનિકો એ વારંવાર અરજી પણ કરી છે.તંત્રના અધિકારીઓ જોઈને જતા રહે છે પણ બગીચાનું કોઈ ધ્યાન નથી આપતું ત્યારે દુર્ગંધ મારતો આ આખો બગીચો લોકો માટે હાલ જાણે પ્રતિબંધિત બની ગયો છે.

આ બગીચામાં વોકિંગ કસરત અને ફરવા માટે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપરાંત મહિલાઓ બહેનો પણ આવે છે ત્યારે આ સમયે ગાર્ડનમાં ગટરનાં પાણીની ખરાબ દુર્ગંધથી અહીં આવી શકાતું નથી થોડી વાર બેસી પણ નથી શકતા આ વિશાળ એવા ગાર્ડનમાં ગટરની લાઈન નાખી છે તેનું હજી કામ પૂરું પણ નથી થયું. આ બગીચામાં સ્ટોર્મ વોટર લાઇનમાંથી નીકળતું ગટરનું પાણી ધીમી ધીમે તળાવમાં આવે તો છે પણ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી જેના પરિણામે દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શહેરીજનો બાળકો માટેના એકમાત્ર હરવા ફરવાના સ્થળ એવા બગીચાની માવજતનો અભાવ તેમજ છલકાતી ગટરો અંગે તંત્ર દ્વારા સેવાતી ઉપેક્ષાએ નગરજનોમાં ભારે રોષની લાગણી જોવા મળે છે.

You might also like