બિલાડીના ટોપની જેમ વધતાં ખાણીપીણી બજારઃ બે વર્ષમાં વધુ ૨૪નો ઉમેરો!

અમદાવાદ: એક તરફ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર શહેરભરનાં રાત્રી ખાણીપીણી બજારમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે લારી-ગલ્લા અને ખૂમચાવાળાઓને ડસ્ટબિન ફાળવીને રાત્રી સફાઇનો કચરો અલગથી ડોર ટુ ડોરનાં વાહનો દ્વારા એકત્રીકરણ કરવાની વ્યવસ્થા ગોઠવીને નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ અમદાવાદમાં ખૂણે અને ખાંચરે રાત્રી ખાણીપીણી બજારનો ધમધમાટ વધી રહ્યો છે.

ખુદ તંત્રના જ એક અંદાજ મુજબ છેલ્લાં બે વર્ષમાં ર૪ નવા રાત્રી ખાણીપીણી બજાર અસ્તિત્વમાં આવ્યાં છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતાં રાત્રી ખાણીપીણી બજારથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું છે. તેમ છતાં દરરોજ હજારો રૂપિયાની રોકડી કરાવતો આ વેપાર અટકાવવામાં આવતો નથી. રાતના ૮ થી ૧ર દરમ્યાન મોટા પ્રમાણમાં લોકો નાસ્તા પાણી માટે જતા હોય છે. હવે દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા હોઇ રાત્રી ખાણીપીણી બજાર અને ત્યાં જનારા નાગરિકોની સંખ્યામાં વૃદ્ધિ થશે તેવો એકરાર મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે.
છેલ્લાં બે વર્ષના રાત્રી ખાણીપીણી બજારની જ વાત કરીએ તો બે વર્ષ પહેલાં શહેરમાં માંડ ૩૪ રાત્રી ખાણીપીણી બજાર હતાં જ્યારે હવે તેમાં ર૪નો વધારો થઇને કુલ પ૮ થયા છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકી કહે છે કે બે વર્ષમાં ૩૪ રાત્રી ખાણીપીણી બજારનાં હવે પ૮ ખાણીપીણી બજાર થયાં હોઇ તેમાં નિકોલ, ઇસનપુર, વસ્ત્રાલ વિગેરે વિસ્તારના રાત્રી ખાણીપીણી બજારના ધંધાકીય એકમો પાસે તંત્રના હેલ્થ લાઇસન્સ જ નથી.

તંત્રના તાજેતરના સર્વેમાં આશ્ચર્યજનક રીતે માણેકચોક ખાણીપીણી બજારનો સમાવેશ કરાયો નથી. પરંતુ લો ગાર્ડનમાં ૪૭ એકમ, સેપ્ટ રોડમાં પ૩ એકમ, એચ.એલ. કોલેજ રોડમાં રર એકમ, પરિમલ ગાર્ડન પાસે ૧૮ એકમ, પાલડી ભઠ્ઠા પાસે ૩૦ એકમ, સિંધુ ભવન રોડ પર રપ એકમ, દિવ્યભાસ્કર પ્રેસથી ઉજાલા સર્કલ સુધી ૬૦ એકમ, વસ્ત્રાપુર તળાવ ફરતે ૧પ૦ એકમ, ઇસ્કોન ચાર રસ્તાથી કર્ણાવતી કલબ સુધી ૭૦ એકમ, પકવાન ચાર રસ્તાથી ગોતા બ્રિજ સુધી ૧પ૦ એકમ, થલતેજ ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ સુધી ૧પ૦ એકમ, વંદેમાતરમ્ રોડ પર ૭પ એકમ, પ્રભાત ચોકથી ઉમિયા હોલ સુધી ૪૦ એકમ, પ્રહલાદનગર રોડ પર ૧૬૦ એકમ, સીટીએમ શાક માર્કેટ ખાતે ૧૧૬ એકમ, અને ગોવિંદવાડી શાક માર્કેટ ખાતે રપ૦ એકમ મળી કુલ ર૧પ૧ એકમ કાર્યરત છે.

હેલ્થ લાઇસન્સ વગરના એકમોને હટાવવાના મામલે તંત્ર નિષ્ક્રિય હોઇને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે. ડો. ભાવિન સોલંકી કહે છે હાલમાં ૩૯ જેટલાં ખાણીપીણી બજારમાં રાત્રી દરમ્યાન પણ હેલ્થ વિભાગ દ્વારા સફાઇની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં શહેરનાં તમામ ખાણીપીણી બજારને રાત્રી સફાઇ હેઠળ આવરી લેવાશે.

You might also like