મ્યુનિ. ડ્રાફ્ટ બજેટ આભાસીઃ આવકના સુધારિત આંકડામાં જ રૂ.૯૮૩ કરોડનું જંગી ગાબડું!

અમદાવાદ, ગુરુવાર
તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ફૂલગુલાબી બજેટ રજૂ કરાયું, જેમાં કમિશનર મૂકેશકુમાર દ્વારા રૂ.૩૩૦૦ કરોડ જેટલી જંગી રકમ વિકાસકામ માટે ફાળવાઇ છે. શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા તંત્ર પ્રયત્નશીલ છે તેવો દાવો કરાઇ રહ્યો છે, પરંતુ બજેટના આંકડા વાસ્તવદર્શી ન હોઇ માત્ર લોકોની આંખમાં ધૂળ નાખનારા જ હોય છે. વિકાસકામ માટે પૂરતાં નાણાં નથી હોતાં, કેમ કે કાગળ પર ચિતરાતા આવકના આંકડા જ આભાસી હોય છે. ખુદ તંત્રના આવકના સુધારિત આંકડામાં જ રૂ.૯૮૩ કરોડનું જંગી ગાબડું સામાન્ય નાગરિક માટે આઘાતજનક છે.

અાવતીકાલે ભાજપના શાસકોનું સુધારિત બજેટ છે. જેમાં શાસકપક્ષ અાશરે રૂ. ૪૦૦ કરોડના સુધારા મુકીને અમદાવાદીઅોનો અાકર્ષવાનો પ્રયાસ થશે. જો કે અા પણ છેવટે અાંકડાઅોની માયાજાળ કરીને લોકોને ફરીથી એક વખત મુર્ખ બનાવશે.

સામાન્ય નાગરિકો અત્યારથી શહેરમાં ત્રણ લેયર ધરાવતા ફલાય ઓવરબ્રિજ, જમાલપુર‌બ્રિજથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી એલિવેટેડ એક્સપ્રેસ કો‌િરડોર સતાધાર ચાર રસ્તા કે જવાહરચોક ચાર રસ્તા પર ફલાય ઓવરબ્રિજ અમદાવાદમાંથી પસાર થતી રેલવે લાઇન પર ૧૬ અંડરપાસ સહિત કુલ ર૬ બ્રિજનાં સપનાં જોતા થઇ ગયા છે.

નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની જાહેરાત પણ લોકોને રોમાંચિત કરે છે, પરંતુ તંત્રને આવકનાં ફાંફાં પડ્યાં હોઇ જેમ અત્યાર સુધીના બજેટમાં અનેક લોભામણા પ્રોજેકટ છેવટે પોથીમાંનાં રીંગણાં પુરવા થયા છે તેવી જ રીતે આગામી વર્ષના બજેટના મામલે થશે. આ એક કડવી વાસ્તવિકતા હોઇ તેને આધાર ખુદ સત્તાવાળાઓના ચાલુ વર્ષ ર૦૧૭-૧૮ના રિવાઇઝડ બજેટના ચોંકાવનારા આંકડાએ પૂરો પાડ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નું ડ્રાફટ બજેટ પણ કમિશનર મૂકેશકુમાર રજૂ કર્યુ હતું, જેમાં કમિશનરે આગામી તા.૩૧ માર્ચ, ર૦૧૮ સુધીમાં મ્યુનિસિપલ તિજોરીમાં આવક પેટે રૂ.૪૯૩૪ કરોડ ઠલવાશે તેવો અંદાજ આપ્યો હતો, પરંતુ નઘરોળ તંત્રના કારણે વિવશ થઇને કમિશનરને પોતાના જ આવકના આંકડામાં રૂ.૯૮૩ કરોડની જબ્બર પીછેહઠ કરવાની ફરજ પડી છે. હવે આગામી તા.૩૧ માર્ચ, ર૦૧૮ સુધીમાં તંત્રની તિજોરીમાં માત્ર રૂ.૩૯પ૧.૧૧ કરોડ જ ઠલવાશે.

ઓક્ટ્રોયની અવેજીમાં રાજ્ય સરકારની ગ્રાન્ટનો અંદાજ રૂ.૧ર૦ર કરોડનો રખાયો હતો, જેના સુધારિત અંદાજ રૂ.૧૧રપ કરોડનો કરાયો છે એટલે રાજ્ય સરકાર જ આ ગ્રાન્ટના મામલે રૂ.૭૭ કરોડનો અન્યાય કરશે. જ્યારે આવકના એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સમાં પણ આવકની દૃષ્ટિએ સત્તાવાળાઓની ફરીથી નામોશી થઇ છે, કેમ કે ચાલુ વર્ષના ડ્રાફટ બજેટમાં કમિશનરે રૂ.પ૭પ કરોડ સામાન્ય કર અને રૂ.૩૪૪ કરોડ વોટર અને કોન્ઝર્વન્સી ટેકસ પેટે આવક નિર્ધારિત કરી હતી, પરંતુ હવે વર્ષાન્તે ટેકસ વિભાગે આગાઉના રૂ.૯૧૯ કરોડના નિર્ધારિત લક્ષ્યાંકને બદલે રૂ.૭૯૯ કરોડનો નવો લક્ષ્યાંક મેળવવાનો રહેશે એટલે કે નવા લક્ષ્યાંકમાં સ્વયં કમિશનરે રૂ.૧ર૦ કરોડનો જબ્બર ઘટાડો કર્યો છે.

બીજી તરફ એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાં રૂ.૧૧૮.પ૦ કરોડનો વધારો થવાનો છે. ચાલુ વર્ષના ડ્રાફટ બજેટમાં એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાં રૂ.૧રર૧.પ૦ કરોડનો અંદાજ વધીને હવે રૂ.૧૩૪૦ કરોડનો થશે. તેમ છતાં તંત્ર દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચને રેવન્યૂ આવકના ૩૩.૯૩ ટકાથી વધવા દેવાયો નથી તેવો દાવો કરાયો છે.

You might also like