અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપમાં વકરતો આંતરિક જૂથવાદ

અમદાવાદ: ગત ઓકટોબર, ર૦૧પની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ફરીથી સત્તાનાં સૂત્રો સંભાળીને વિજયની હેટ્રિક નોંધાવી હતી. શહેરમાં છેલ્લા એક દશકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે. પરંતુ વર્તમાન ટર્મની કામગીરી એક અથવા બીજા પ્રકારે વિવાદાસ્પદ બની છે. ખાસ કરીને તૂટેલા રસ્તાના સંદર્ભે તો શાસકોને માથે ચારે તરફથી માછલાં ધોવાઇ રહ્યાં છે. આ મામલે હવે મ્યુનિસિપલ ભાજપમાં પણ જૂથવાદ વકરતો જાય છે.

ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે જે રીતે રોડનાં કામોનાં ભ્રષ્ટાચારથી જનાક્રોશ ફેલાયો છે તેવો શાસક પક્ષ વિરૂદ્ધનો માહોલ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. મ્યુનિસિપલ તંત્રમાં ભ્રષ્ટાચારની નવાઇ નથી પરંતુુ હવે તો ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી હોવાની લાગણી સામાન્ય જનમાનસમાં જોવા મળે છે.

મ્યુનિસિપલ ભાજપ કાર્યાલયમાં પણ હાલની ટીમ સામેનો અસંતોષ અવારનવાર સપાટી પર આવી રહ્યો છે. રોડનાં કામોનાં ભ્રષ્ટાચારમાં કોર્પોરેટરોની મિલી ભગતની લોકચર્ચાથી કેટલાક કોર્પોરેટરો રીતસરના ભડકી ઊઠ્યા છે. વર્તમાન ઉચ્ચ હોદ્દેદારો સામે મ્યુનિસિપલ બોર્ડમાં પણ રોષ વ્યક્ત કરતાં આ કોર્પોરેટરો અચકાતા નથી. પરિણામે મ્યુનિસિપલ ભાજપમાં ઉદ્દઘાટનો, ભૂમિપૂજનો વખતે ‘ઉપરછલ્લી’ જોવા મળતી એકતા મામૂલી સંકટના સમયે છિન્નભિન્ન થઇ જાય છે.

ગઇ કાલે તૂટેલા રોડ, સ્વાઇન ફલૂ, ગંદકીના મામલે મ્યુનિસિપલ મુખ્યાલયમાં કોંગ્રેસનાં ધરણાં દરમ્યાન મ્યુનિસિપલ ભાજપનો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હતો. મુખ્યાલયમાં પોલીસ ચોકી ધમધમતી હોવા છતાં કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરો સરદાર પટેલ ભવનનાં મુખ્ય દરવાજાની સામે રામધૂન અને સૂત્રોચ્ચાર કરતા બેસી ગયા હતા.
આ સમગ્ર તમાશો પોલીસે મૂક પ્રેક્ષક બનીને જોયો હતો. જે દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો સમય થતા ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજરી આપવા આવવા લાગ્યા હતા પરંતુ મુખ્ય દરવાજો બંધ હોઇ આ અધિકારીઓને પાછળના ભાગે આવેલી સીડી ચઢીને સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં જવાની ફરજ પડી હતી. આ બધી ધાંધલ ધમાલમાં કાચનો મુખ્ય દરવાજો તૂટીને ચુર ચુર થઇ જાય તેવી સ્થિતિ પણ ઉદ્દભવી હતી. સ્ટેન્ડિંગ કમિટી પણ નિર્ધારીત સમય કરતા ંપોણો કલાક મોડી શરૂ કરાઇ હતી.

કોંગ્રેસે મેયર ઓફિસમાં પણ આક્રમકતા દાખવતા મેયર ગૌતમ શાહ કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતા. મેયરના બચાવ માટે તે સમયે આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભાજપના કોર્પોરેટરો હાજર હતા. કેટલાક કોર્પોરેટરો તો સ્ટેન્ડિંગ કમિટીનો સમય થઇ ગયો હોવાનું કારણ આગળ ધરીને આવા કટોકટીના સમયે મેયરને ‘એકલો જાને રે’ની દયનીય હાલતમાં મૂકીને મેયર ઓફિસેથી રફુચક્કર થઇ ગયા હતા.

You might also like