અમદાવાદ મ્યુનિ. દ્વારા ૬ હજાર રોજિંદા સફાઈ કર્મચારીને કાયમી કરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૬,૦૦૦ જેટલા રોજિંદા સફાઇ કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. આગામી તા.રપ એપ્રિલે આ સઘળા સફાઇ કર્મચારીને તંત્ર દ્વારા કાયમી કરાશે.

રોજિંદા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય ગયા વર્ષે સત્તાધીશો દ્વારા લેવાયો હતો. તે વખતે આ સઘળા કર્મચારીઓને એક સાથે કાયમી કરવા કે તબક્કાવાર તેનો વિવાદ ઊભો થયો હતો. જોકે યુનિયનનાં દબાણથી છેવટે સત્તાધીશોએ એક સાથે જ કાયમી કરવાનો નિર્ણય લીધો હતો.

ગત તા.૧ એપ્રિલ ર૦૧૮થી સફાઇ કર્મચારીઓને એક સાથે કાયમી કરવાના થતા હોઇ સત્તાવાળાઓઅે આ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી. છેવટે આગામી તા.રપ એપ્રિલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સફાઇ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કરાયો છે. તે દિવસે વિજય રૂપાણીના હસ્તે સફાઇ કર્મચારીઓને કાયમીના સર્ટિફિકેટ એનાયત કરાશે.

સફાઇ કર્મચારીઓનો કાયમી કર્મચારી તરીકે તંત્રમાં સમાવેશ કરવાથી મ્યુનિસિપલ તિજોરી પર રૂ.૬૦ કરોડનો આર્થિક બોજ પડશે. અત્યારે આઠ કલાકની ફરજ માટે રૂ.૩૦૬નું વેતન મેળવતા કર્મચારીઓ કાયમી થાય બાદ આશરે રૂ.રપ,૦૦૦નો પગાર મેેળવતા થશે. તંત્રમાં વધુ ૬,૦૦૦ સફાઇ કર્મચારીઓનો ઉમેરો થતાં કુલ સફાઇ કર્મચારીઓની સંખ્યા ૧૮,૦૦૦ થશે.

You might also like