અમદાવાદ-મુંબઇ વચ્ચે વર્ષ ર૦ર૩ સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થઇ જશે

નવી દિલ્હી: અમદાવાદ-મુંબઇ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન માટે ગ્રાઉન્ડ વર્ક ર૦૧૮ સુધીમાં જાપાનની મદદથી શરૂ થઇ જશે અને ર૦ર૩ સુધીમાં આ બુલેટ ટ્રેન શરૂ કરી દેવાનું લક્ષ્ય નિર્ધારિત કરી દેવામાં આવ્યું છે. રેલવે બોર્ડમાં યોજાયેલ ટેકનિકલ ગ્રૂપની બેઠકમાં લોકેશન સંબંધિત સર્વેને તાત્કાલિક શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના રૂટ પર આવતા વિસ્તારોની ભૂગર્ભીય તપાસ અને કાળી માટીનાં સેમ્પલની તપાસ આગામી બે-ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં બુલેટ ટ્રેનના તમામ ટેકનિકલ પાસાંઓ અંગે ચર્ચા-વિચારણા થઇ હતી.

ભારત-જાપાન વચ્ચે બુલેટ ટ્રેન માટે થયેલા કરાર હેઠળ જાપાન ભારતને ટેકનોલોજી પૂરી પાડશે અને આ ટ્રેનને ચલાવવા માટે જરૂરી તાલીમ પણ આપશે. ટેકનિકલ ગ્રૂપની બેઠકમાં નેશનલ હાઇસ્પીડ કોર્પોરેશન લિ.ના ડાયરેકટરો ઉપરાંત રેલવે બોર્ડના સભ્યો, જાપાન સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય ર૦૧૮માં શરૂ કરી દેવામાં આવે અને ર૦ર૩-ર૪ સુધીમાં આ ટ્રેન શરૂ કરી દેવામાં આવે.

આ અગાઉ ડિઝાઇનિંગથી લઇને બીડ ડોકયુમેન્ટ અને ટેન્ડર સુધીની તમામ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે એટલું જ નહીં બુલેટ ટ્રેનના રૂટ પર કેટલીક ટ્રેનો નોનસ્ટોપ ચલાવવામાં આવશે. બુલેટ ટ્રેન તૈયાર કરવા માટે રચાનારી કંપનીના મેનેજિંગ ડિરેકટર અને અન્ય ડાયરેકટરોની પસંદગી માટે એક હાઇલેવલ સિલેકશન કમિટી પણ બનાવવામાં આવી છે. હવે તા.૯ મેના રોજ વર્કિંગ કમિટી અને ત્યાર બાદ ૧૬-૧૭ મેના રોજ જાપાનમાં જોઇન્ટ કમિટીની બેઠક યોજાશે.

જેમાં ભારત અને જાપાનના અધિકારીઓ હાજર રહેશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે પ૦૮ કિ.મી.ના અંતર માટે બુલેટ ટ્રેન ચલાવવાના પ્રોજેકટ પાછળ રૂ.૯૭,૬૩૬ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જાપાન આ માટે ૭૯ કરોડની સોફટ લોન આપશે.

You might also like