અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ર૩.પ૦ ઇંચ થયો

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા અચાનક હેત વરસાવીને તોફાની બેટિંગ કરી જાય છે. સતત વરસાદી માહોલના પગલે સામાન્ય જનજીવન સુધ્ધાં પ્રભાવિત થયું છે. આજે શહેરભરની શાળાઓમાં ભારે વરસાદની આશંકાના પગલે રજા અપાઇ છે, જોકે રાતભર ઝરમ‌િરયો વરસાદ નોંધાતાં લાખો અમદાવાદીઓએ ભારે હાશકારો અનુભવ્યો હતો. દરમ્યાન ચાલુ ચોમાસાની સિઝનમાં શહેરમાં કુલ સરેરાશ વરસાદ ર૩.પ૦ ઇંચ થયો છે.

ગઇ કાલ રાતના દશથી આજે સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સરેરાશ ર૦ એમએમ હળવો વરસાદ નોંધાયો હતો એટલે આજની સવાર લોકો માટે રાહત લઇને આવી હતી.

પાલડી સ્થિત મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગઇ કાલ સવારના છથી આજે સવારના આઠ વાગ્યા સુધીમાં શહેરમાં વધુ ૬૬ એમએમ વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં સૌથી વધુ ૮પ એમએમ વરસાદ ખાબક્યો હતો, જોકે મ્યુનિસિપલ ચોપડે ઝાડ પડવાની કે ભયાનક મકાન-દીવાલ કે રોડ બેસી જવાની અને ભૂવાની કોઇ નવી ફરિયાદ નોંધાઇ નથી.

આમ તો વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં પણ રાતના સુમારે અનેક સ્થળોએ વરસાદી પાણી ઉલેચવા માટે ફાઇટર પંપ બેેસાડાયા હતા. મધ્ય ઝોનના શાહપુરમાં શંકરભુવનનાં છાપરાં, પૂર્વ ઝોનના નિકોલમાં મધુમતી આવાસ, ઓઢવમાં ડ્રેનેજ પં‌િપંગ સ્ટેશન પાસે, નવા પશ્ચિમ ઝોનના બોડકદેવમાં જીએમડીસી ગ્રાઉન્ડ, પંચગીની સોસાયટી, મકતમપુરામાં ભાખાભાઇપાર્ક, ચાંદલોડિયામાં યદુડી ગરનાળા, ઘાટલોડિયામાં માણેકબાગ સોસાયટી, દક્ષિણ ઝોનના બહેરામપુરામાં છારાનગર, ઉત્તર ઝોનમાં ઇન્ડિયા કોલોની, વ્રજવલ્લભપુરા અને બાપુનગરમાં રાજીવનગર ખાતે પંપ દ્વારા વરસાદી પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આગામી તા.૩૧ જુલાઇ સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like