અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં એક કિશોરની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે 4 આરોપીને ઝડપી લીધાં છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો આરોપીએ ઓઢવ વિસ્તારમાં ઝાડું બનાવવાનું કામ કરતી એક મહિલાનો હાથ પકડયો હતો.
આ સિવાય તેની છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ વિરોધ કરતા આ આરોપી ઓઢવ વિસ્તારમાં પોતાની સોસાયટીમાં ગયો હતો અને સાત જેટલા શખ્સને લઈ આવ્યો હતો. પોલીસનું માનીએ તો આરોપીએ ઝાડું બનાવતાં લોકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક કિશોરે આરોપીનો વિરોધ કરતાં આરોપી અમિતનાં હાથમાં ચપ્પુ હતું. જે કિશોરને મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસનાં જણાવ્યા અનુસાર આ બનાવ છેડતીનાં કારણે જ બન્યો છે. આરોપીએ મહિલાની છેડતી કરી હતી. તેનો વિરોધ કરતાં આરોપીએ આ હત્યાને અંજામ આપ્યું છે.
જો કે આ મામલે પોલીસે મુખ્ય આરોપી અમિત સહિત 4 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર છે. જેને ઝડપી લેવા માટે પોલીસે વધુ કવાયત્ હાથ ધરી છે.