અમદાવાદીઅોના પ્રિય માણેકચોકના ખાણીપીણી બજારની કાયાપલટ થશે

અમદાવાદ: આશરે ૬૦૦ વર્ષ જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટેની અરજીનો યુનેસ્કો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા હેરિટેજને લગતા વિભિન્ન પ્રોજેક્ટો ઉપર ભાર મુકાઈ રહ્યો છે. ભદ્ર પ્લાઝા નવીનીકરણ બાદ હવે સત્તાવાળાઓ કોટ વિસ્તારના જ ઐતિહાસિક માણેકચોકનું કાયાપલટ કરવાના છે.
અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં માણેકચોકની આગવી ઓળખ છે. માણેકચોક એટલે સોના-ચાંદી બજાર, શાકમાર્કેટ, જૂનું  શેરબજાર ઉપરાંત સૂર્યાસ્ત થતાંની સાથે ધમધમતું ખાણીપીણી બજાર, પરંતુ માણેકચોક તેનાં ટ્રાફિકના દબાણ, લારી ગલ્લાનાં દબાણ, અવાજ અને હવાનાં પ્રદૂષણ માટે પણ એટલું જ જાણીતું છે.

માણેકચોકમાં દરરોજ એક લાખ લોકોની અવરજવર રહે છે. તેમાં પણ તેનો મધ્યભાગ રોજના ૩૦ હજાર રાહદારીઓથી ધમધમે છે. માણેકચોક બાવાના નામથી ઓળખાતા માણેકચોક વિસ્તારનું અહમદશાહ બાદશાહના સમયથી મહત્ત્વ જળવાઈ રહ્યું છે. હવે મ્યુનિ. સત્તાવાળાઓ જૂના જર્જરિત માણેકચોકને નવાં રંગ રૂપ આપીને તેમાં આકર્ષણમાં વૃદ્ધિ કરવા જઈ રહ્યા છે.

શહેરના હાર્દસમાન માણેકચોકની કાયાપલટ કરવા મ્યુનિ. તંત્ર અને વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા-એમ્બાર્ક વચ્ચે છેક ગત તા.૭ ફેબ્રુઆરી, ૨૦૧૪એ એમઓયુ થયા હતા. ત્યાર બાદ એમ્બાર્ક સંસ્થાએ માણેકચોક વિસ્તારમાં ટ્રાફિક, પ્રદુષણ, સ્થાનિક લોકો, સ્થાનિક વેપારીઓ વગેરે વિવિધલક્ષી બાબતોને સાંકળતો વિસ્તૃત અભ્યાસ અહેવાલ તૈયાર કર્યો છે.

કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર એમ્બાર્ક સંસ્થાના અભ્યાસ અહેવાલને મૂકી દેવાયો છે. હવે સત્તાવાળાઓ એક મહિના સુધી નાગરિકો પાસેથી અભ્યાસ અહેવાલના સંદર્ભમાં વાંધાં-સૂચનો મગાવી રહ્યા છે. જૂનના અંત સુધીમાં તમામ વાંધાં-સૂચનો આવ્યા બાદ તંત્ર તેના આધારે અંતિમ અહેવાલ તૈયાર કરશે.
નવેમ્બરના અંત સુધીમાં પ્રોજેક્ટ ટેન્ડર બહાર પડે તેવી શક્યતા

મ્યુનિ. સત્તાધીશો દ્વારા નાગરિકોનાં વાંધાં સૂચન બાદ તૈયાર કરાયેલા અંતિમ અહેવાલને વિવિધ તબક્કે સંબંધિત તંત્રની મંજૂરી અપાવીને માણેકચોકની કાયાપલટનો ડીપીઆર તૈયાર કરશે. ડીપીઆરના આધારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. નવેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટનાં ટેન્ડર બહાર પાડે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કાની કામગીરી પાછળ રૂ.૫૦ કરોડ ખર્ચાય તેવી શક્યતા છે.

માણેકચોકની કાયાપલટના પ્રોજેક્ટ હેઠળ ત્રણ દરવાજા પાસેના પાનકોરનાકાથી લઈને ફર્નાન્ડીઝ બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. એટલે માણેકબાવાનું મંદિર, જુમ્મા મસ્જિદ, રાજા અને રાણીના હજીરા, જુમ્મા મસ્જિદ, મુર્હૂત પોળ, જૂનું શેરબજાર, સાંકડી શેરી ખાસ રોશનીથી ઝળહળી ઉઠશે.

પાર્કિંગ માટે બિનવપરાશના ત્રણ પ્લોટનો ઉપયોગ કરાશે
માણેકચોકમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા તંત્ર દ્વારા બિનવપરાશી ત્રણ જર્જરિત જગ્યાનો ઉપયોગ કરાશે તેમ જ સરકારી જમીન ફરતે ૫૦૦ મીટરની ત્રિજ્યા જેટલી જગ્યાની વધારાની પાર્કિંગ માટે ફાળવણી કરાશે.

માણેકચોકમાં શું ફેરફાર થશે?
સ્થાનિક લોકો માટેઃ અવાજ તથા હવાનું ઓછું પ્રદૂષણ અને પરિણામે સારું ગુણવત્તાલક્ષી જીવન
મુલાકાતીઓ માટેઃ ખરીદી માટે સલામત જગ્યા, વાહનચાલકો માટે સુસંગત રસ્તો અને પર્યાપ્ત પાર્કિંગ વ્યવસ્થા
ફેરિયાઓ માટેઃ વધુ સારા રસ્તા, શૌચાલય અને વીજળીની સુવિધા
દુકાનદારો માટેઃ ગ્રાહકો સાથે સુલભ સંપર્ક તેમ જ સાર્વજનિક શૌચાલય જેવી સગવડોની ઉપલબ્ધિ
શહેરીજનો માટેઃ શહેરીજનો માટે માણેકચોક આકર્ષક અને સર્વગ્રાહી સાર્વજનિક સ્થળ બનશે

દરરોજ એક લાખ લોકોની અવરજવર
• માણેકચોકમાં દરરોજ એક લાખ લોકોની અવરજવર રહે છે અને તેના મધ્ય વિસ્તારનો રોજના ૩૦ હજાર રાહદારીઓ ઉપયોગ કરે છે.
• માણેકચોકના મધ્ય વિસ્તારમાંથી કુલ ટ્રાફિકનો ૭૦ ટકા ટ્રાફિક અવરજવર હેતુ વપરાશ કરે છે.
• લગભગ ૮૦ ટકા વાહનો ત્રણ કે તેથી ઓછા કલાકો માટે પાર્કિંગ કરાય છે
• ૫૦૦થી વધારે ફેરિયાઓ રોજ માણેકચોકમાં ધંધાર્થે આવે છે.
• માણેકચોક વિસ્તારનો ૨૫ ટકા ભાગ પાર્કિંગમાં વપરાય છે. જ્યારે ફેરિયાઓ ૧૧ ટકા ભાગનો ઉપયોગ કરે છે. ૧૯ ટકા ભાગ ખરાબ ફૂટપાથ વગેરેમાં વેડફાય છે.
• પિકઅવર્સ દરમિયાન દાણાપીઠ જંકશન ઓળંગતા ૪૦થી વધુ સેકન્ડ લાગે છે.

You might also like