અમદાવાદીઓને પ્રિય ફરસાણનો ચટાકો પણ હવે મોંઘો બન્યો!

અમદાવાદ: કઠોળના ભાવ વધવાની સાથે ચણા-ચણાદાળમાં પણ થયેલ બેફામ ભાવ વધારાના પગલે હવે ફરસાણ પણ તહેવારો પૂર્વે મોંઘાં થયાં છે. મોંઘવારીનો વધુ એક માર હવે ફરસાણનો વધુ ભાવ ચૂકવીને સહેવો પડશે. ૧૮૦ રૂપિયે વેચાતા ફરસાણનો ભાવ રપ૦ પર પહોંચી ગયો છે.

તુવેરદાળથી શરૂ થયેલી તેજી હવે ચણાદાળના ભાવ વધારે પહોંચી તેની અસર ફરસાણ પર પડી છે. હોલસેલ વેપારીના જણાવ્યા મુજબ આજે ર૦ કિલો ચણાનો ભાવ ૮પ૦૦ થી ૯૦૦૦ અને ચણાદાળનો ભાવ ૧૧,૦૦૦ તેમજ બેસનનો ભાવ ર૩૩૦ થી રપ૦૦ છે. દેશી ચણા ૧૦૦ થી ૧ર૦ પ્રતિ કિલો, ચણાદાળ ૧ર૦થી ૧૩૦ પ્રતિ કિલો તેમજ બેસનનો ભાવ પણ ૧ર૦થી ૧૩પ પહોંચતાં વરસાદી સિઝનમાં સૌથી વધુ વેચાતા દાળવડાં, સેવ સહિત અન્ય ફરસાણ મોંઘા થયાં છે. પ્રતિકિલોએ ર૦ થી ૩પનો ભાવવધારો તમામ ફરસાણમાં નોંધાયો છે.

ફરસાણના વેપારીના જણાવ્યા મુજબ માત્ર દાળના વધેલા ભાવ જ નહીં તેલના ડબાના વધેલા ભાવ પણ ફરસાણના ભાવવધારા માટે કારણભૂત છે. તેલના ભાવ વધતા છતાં ગત માસે ફરસાણ એસો‌િસયેશને ફરસાણના ભાવ નહીં વધારવા-નફો ઓછો કરવા મન મનાવ્યું હતું, પરંતુ ચણા અને ચણાદાળ-બેસનના વધેલા ભાવોએ રાતોરાત સ્વમેળે વેપારીઓએ ફરસાણમાં ભાવ વધારો કરી દીધો છે.

છૂટક પ્રતિકિલો વેચાતાં ફરસાણ જ નહીં, પરંતુ પેકિંગમાં વેચાતા ફરસાણ અને નમકીનમાં પણ ભાવવધારો થયો છે. પ્રતિકિલો જે ફરસાણ ૧પ૦ થી ૧૮૦ રૂપિયે વેચાતું હતું તે હવે રૂ.રપ૦ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે.

વટાણાના બેસનનો ઉપયોગ વધ્યો
સિંગતેલ, ચણાદાળ અને બેસનના ભાવ વધરાના પગલે હવે કેટલાક નાના વેચારીઓએ ફરસાણના ભાવમાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે વટાણાની દાળનો ઉપયોગ શરૂ કર્યો છે.

હાલમાં બજારમાં બેસનનો ભાવ પ્રતિકિલો ૧૧૦ થી ૧૩૦ છે જ્યારે વટાણાના બેસનનો ભાવ રૂ.પ૦ થી પપ પ્રતિકિલો છે. જેથી ચણાના બેસનમાં વટાણાનું બેસન મેળવીને નફાનું ધોરણ યથાવત્ રાખી ઘણા વેપારીઓ બજેટરી ફરસાણ વેચી રહ્યા છે.

You might also like