ગોમતીપુરમાં મેટ્રો રેલની ટનલથી મ્યુનિ. ક્વાર્ટર્સ પાછળ જમીન ધસી

અમદાવાદઃ શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર ફલેટની ગલીમાં મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સની જમીન ગઇકાલે મોડી રાત્રે એકાએક બેસી જતાં દોડધામ મચી ગઇ હતી. કવાર્ટર્સની બાજુમાં ચાલતા મેટ્રો રેલના ટનલની કામગીરીને લઇ અગાઉ મેટ્રો રેલના અધિકારીઓએ કવાર્ટર્સનો એક બ્લોક ખાલી કરાવ્યો હતો જ્યારે બીજા બ્લોકમાં ર૦ જેટલા પરિવાર રહેતા હતા. ગત મોડી રાત્રે જમીન બેસી જતા બીજા બ્લોકને પણ મેટ્રો રેલના અધિકારીઓએ ખાલી કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેકટ હેઠળ ગોમતીપુર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાઇ રહી છે. જોકે આ કામગીરીના કારણે ટનલની ઉપરના ભાગમાં આવેલા સિલ્વર ફલેટની ગલીના મ્યુનિસિપલ સ્ટાફ કવાર્ટર્સ અસરગ્રસ્ત થયા હતાં. અગાઉ પણ જીવરાજ પાર્ક પાસેના મેટ્રો રેલના પિલ્લર પાસે મોટો ભૂવો પડતા સમગ્ર અમદાવાદમાં મેટ્રો રેલ માટે પણ ચકચાર મચી હતી. જોકે ગોમતીપુર વિસ્તારની ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન બની છે.

ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર ફલેટની ગલીમાં મ્યુનિસિપલ સ્ટાફ કવાર્ટર્સની જમીન મેટ્રો રેલ માટેની ટનલના કામકાજને કારણે ગઇકાલે મોડી રાત્રે એકાએક બેસી ગઇ હતી. કવાર્ટર્સની બાજુમાં મેટ્રો રેલ ટનલની કામગીરીને ધ્યાનમાં રાખી અગાઉ મેટ્રો રેલના સત્તાવાળાઓએ કવાર્ટર્સનો એક બ્લોક ખાલી કરાવ્યો હતો.

જ્યારે બીજો બ્લોક યથાવત રખાયો હતો. આ બીજા બ્લોકમાં ર૦ જેટલા પરિવાર રહે છે. જોકે ગઇકાલે રાત્રે અચાનક જ જમીન ધસી પડતા ગ્રાઉન્ડ ફલોરનું ભોંયતળિયામાં આશરે ૧પ ફૂટનું ગાબડું પડતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ મેટ્રો રેલના અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં.

મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા આ રહેવાસીઓ માટે તાત્કાલીક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઇ હતી તેમજ ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરાઇ હતી. દરમ્યાન આ લખાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સંપર્ક થઇ શકતો નથી. મોડી રાત્રે અચાનક જ મેટ્રો રેલના અધિકારીઓએ આવીને ફ્લેટ ખાલી કરાવતા રહીશો બેઘર બની ગયા હતા. આસપાસના રહેવાસીઓના ઘરમાં તેઓને આશરો લેવાની ફરજ પડી હતી.

મેટ્રો રેલના અધિકારીઓએ આ પરિવારનોને જમવાની વ્યવસ્થા પૂરી પાડી હતી, પરંતુ હવે ફ્લેટ ખાલી કરાવાતા રહીશો પોતાના અલગ ઘરની માગણી કરી રહ્યા છે. દરમ્યાન, આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ”ગોમતીપુર વિસ્તારની ઘટનાની મને જાણ થઈ છે અને હું અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈશ તેમજ અસરગ્રસ્ત પરિવારોને રૂબરૂ મળીશ.”

You might also like