અમદાવાદમાં યુપી-બિહારવાળી મેનેજર-શેરબ્રોકરનું અપહરણ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે, જેને રોકવામાં શહેર પોલીસ નિષ્ફળ નિવડી છે. ત્યારે હવે શહેરમાં રૂપિયાની લેતીદેતીમાં યુપી અને બિહારની જેમ ઘરમાંથી ઉઠાવી જઇ અને માર મારી ગોંધી રાખવાની ઘટનાઓ સામે આવી છે. શહેર પોલીસ એક તરફ ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં આરોપીઓ સુધી પહોંચી શકતી નથી ત્યારે આવાં અપહરણના બે બનાવથી પોલીસ દોડતી થઈ હતી.

અમદાવાદમાં ફરી એક વાર વ્યાજખોરોએ માથું ઊંચક્યું છે. વસ્ત્રાપુરમાં રહેતા એરટેલ કંપનીના મેનેજરનું પોલીસ કોન્સ્ટેબલે અપહરણ કરી ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અપહૃત મેનેજરે તેના મિત્રને જાણ કરતાં તેઓએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ચાંદલોડિયાના ધુળીબા ફાર્મ ખાતેથી તેને મુક્ત કરાવી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. મૂળ વીરમગામના વતની અને હાલ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા મિલન કાછેલા (ઉ.વ.23) સીજીરોડ પર આવેલી એરટેલ કંપનીમાં ગુજરાત રિલેશન‌િશપ મેનેજર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2015માં તેમની ઘીકાંટા ખાતે કાપડની દુકાન હતી. ધંધામાં નુકસાન જતાં તેઓએ વીરમગામના જાલમપુર ખાતે રહેતા વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઇ ભરવાડ નામના યુવક પાસેથી 20 ટકાના વ્યાજે રૂ. 4 લાખ લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવી રૂ.4 લાખ તેઓએ 2016માં વિહાભાઈને ચૂકવી દીધા હતા.

ગઈ કાલે સાંજે વિહાભાઈ મિલનભાઈને મકરબા ફાટક પાસે મળ્યા હતા અને રૂપિયા લેવાના બાકી છે તેમ કહ્યું હતું, જેથી મિલનભાઇ તેમના મિત્રને બોલાવીને વસ્ત્રાપુર ફ્લેટ ખાતે ગયા હતા. જ્યાં વિહાભાઈ ચેક લઇ વાતોમાં ભોળવી ગાળો બોલી મિલનને બાઈક પર બેસાડી ચાંદલોડિયાના ધુળીબા ફાર્મ ખાતે લઇ ગયો હતો, જ્યાં તેને એક રૂમમાં બેસાડી રાખ્યો હતો. રૂમમાં વિહાભાઈના મામા હાજર હતા અને બંનેએ વાતચીત કરીને સવારે વહીવટ કરીશું કહી રૂમ બંધ કરી દીધો હતો.

બીજી તરફ મિલને તેના ફોનમાંથી તેના મિત્ર રિધમને ટેક્સ્ટ મેસેજ અને વોટ્સએપ પર લોકેશન શેર કર્યું હતું, જેથી રિધમે આ અંગે મિલનના પિતા અને વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસે ધુળીબા ફાર્મ ખાતે પહોંચીને મિલનને મુક્ત કરાવી વિહાભાઈની ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે વિહાભાઈ ઉર્ફે વિશાલ અને તેના મામા વિરુદ્ધ અપહરણ, મદદગારી, જાનથી મારી નાખવાની ધમકી અને નાણાં ધીરધાર કરનારની કલમ હેઠળ ગુનો નોંધી વિહાભાઈની ધરપકડ કરી છે. બી ડિવિઝન એસીપી ભારતી પંડ્યાઅે જણાવ્યું હતું કે અારોપી વિહાભાઈ અાર્મ્સનો કોન્સ્ટેબલ છે.

દરમિયાનમાં શહેરના મ‌િણનગર વિસ્તારમાં રહેતા શેરબ્રોકરનું રૂપિયાની  લેતીદેતીના મામલે બેન્કમાંથી અપહરણ કરી મિલકત લખાવી લીધાની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.  મ‌િણનગરના બંસીધર ફ્લેટમાં રહેતા શેરબ્રોકર હિમાંશુ શાસ્ત્રીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોતાનું અપહરણ થયું હોવાની ફરિયાદ આપી છે. હિમાંશુભાઇએ કરેલા આક્ષેપ પ્રમાણે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મ‌િણનગર ખાતે આવેલી ગુજરાત મર્કન્ટાઇલ બેન્કમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા તે સમયે કાલુપુરના કબૂતરખાનામાં શ્રોફ પેઢી ધરાવતા મનોજ નટવરલાલ શાહ, સુરેશ પટેલ અને અન્ય બે અજાણ્યા શખ્સો હિમાંશુભાઇનું અપહરણ કરીને ખા‌િડયા વિસ્તારમાં આવેલ એન્જલ બ્રોકિંગની ઓફિસમાં લઇ ગયા હતા, જ્યાં ચારેય વ્યક્તિઓએ તેના 13.60 લાખ રૂપિયાના શેર વેચી દેવા ફરજ પાડી હતી.

ત્યારબાદ ચારેય લોકો હિમાંશુભાઇને ખેડા લઇ ગયા હતા, જ્યાં તેમને મારીને ચપ્પાની અણીએ ઓફિસ તેમના નામે લખાવી લીધી હતી.  ત્યારબાદ અમદાવાદ લાવી છોડી મૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે હિમાંશુભાઇ બે વર્ષ પહેલાં મનોજભાઇ શાહની શ્રોફ પેઢીમાં હિસાબ રાખવાનું કામ કરતા હતા.

http://sambhaavnews.com/

You might also like