કર્ણાવતી ક્લબમાં મતદાનના દિવસે જ ઈ-વોટિંગ કરાવવાની માગણી

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્બલની અાગામી તા.31 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીમાં ઈ-વોટિંગને મતદાનના દિવસ કરતાં અગાઉ અને ત્રણ દિવસ માટે રાખવામાં અાવ્યું છે. જેનો મેમ્બર્સ ફ્રીડમ પેનલ દ્વારા વિરોધ કરીને મતદાનના દિવસે જ ઈ-વોટિંગની પ્રક્રિયા યોજવા માગ કરાઈ છે. અા ઉપરાંત મેમ્બર્સ પાવર પેનલના ઉમેદવારો પૈકીના ચારથી વધુ સભ્યો રાજપથ ક્લબમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હોવાથી રાજપથ ક્લબના પ્રમુખ દ્વારા ક્લબના સભ્યોને પત્ર પાઠવીને મેમ્બર્સ પાવર પેનલના સભ્યોને જીતાડવા માટે અપીલ કરી છે.

જેના કારણે પણ કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં નવો એક વિવાદ ઊભો થયો છે. અા અંગે ફ્રિડમ પેનલ દ્વારા એવો દાવો કરાયો છે કે શહેરની ક્લબોમાં અગાઉ દાણી જૂથ જેવી રીતે વર્ચસ્વ જમાવ્યું હતું તેનું પુનરાવર્તન મેમ્બર્સ પાવર પેનલ કરી રહી છે. જેને દૂર કરવા માટેનો પ્રયાસ છે.

કર્ણાવતી ક્લબ દ્વારા ચૂંટણીમાં ઈ-વોટિંગનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં અાવનાર છે. અા ઈ-વોટિંગ માટે મતદાનની પૂર્વે અને ત્રણ દિવસ માટે રાખવામાં અાવ્યું છે. જેનો મેમ્બર્સ ફ્રીડમ પેનલ દ્વારા વિરોધ કરાયો છે. અા અંગે ફ્રિડમ પાવર પેનલના સભ્ય ઋષાંગ મહેતાએ જણાવ્યુ હતું કે ક્લબની ચૂંટણીમાં ઈ-વોટિંગ કરવાનો નિર્ણય યોગ્ય છે, ઈ-વોટિંગ તારીખ 31 માર્ચ પહેલાં એટલે તા. 27 માર્ચના રોજ સવારે 10થી શરૂ થશે અને તા. 29 માર્ચના સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકાશે. મતદાનની તારીખ અગાઉ ઈ-વોટિંગ રાખવામાં અાવ્યું છે અને તે પણ ત્રણ દિવસ માટે રખાયું છે તે યોગ્ય નથી.

ઈ-વોટિંગને મતદાનના દિવસે જ રાખવું જોઈએ. અા ઈ-વોટિંગના મામલે અમારો વિરોધ નોંધાવ્યો છે. અા અંગે ક્લબના સ્પેશિયલ ચૂંટણી અધ‍િકારી તરીકે હાઈકોર્ટ દ્વારા નિમણુક કરાયેલા પી. મજમુદારને રજૂઅાત કરાઈ છે તેઅો બંને પેનલના સભ્યોને બોલાવીને ટૂંક સમયમાં નિર્ણય કરશે. અા ઉપરાંત રાજપથ ક્લબની સત્તાધારી મેમ્બર્સ પાવર પેનલના જ ચાર જેટલા ડિરેક્ટર કર્ણાવતી ક્લબની ચૂંટણી લડી રહ્યા છે. અા ચાર જેટલા ડિરેક્ટર સહિત પેનલના સભ્યોને જીતાડવા માટે રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલે ગત તા. 13 મા્ર્ચના રોજ બે પાનાનો એક પત્ર દરેક સભ્યોને મોકલી અાપ્યો છે.

જેમાં મેમ્બર્સ પાવર પેનલ દ્વારા કરાયેલી કામગીરીના ગુનગાન ગાવામાં અાવ્યાં છે. પત્રના અંતમાં છેલ્લા બે પેરેગ્રાફમાં કર્ણાવતી ક્લબમાં ચૂંટણી લડી રહેલા મેમ્બર્સ પાવર પેનલના સભ્યોની જીતાડવાની અપીલ કરવામાં અાવી છે. જે અંગે પણ મેમ્બર્સ ફ્રીડમ પેનલના નિમેશ પટેલે જણાવ્યું હતું કે શહેરની વિવિધ ક્લબમાં અગાઉ જેવી રીતે દાણી જૂથનું વર્ચસ્વ હતું તેવી જ રીતે મેમ્બર્સ પેનલના સભ્યો રાજકીય વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજપથ ક્લબમાં હાલ ડિરેક્ટર છે તેવા કમલેશ સી. પટેલ, એન.જી. પટેલ, અાશિષ દેસાઈ, નરસિંહ જી. પટેલ ઉપરાંત રાઈફલ ક્લબના ટ્રેઝરર અજય પટેલ, હિતેન્દ્ર પટેલ સહિતના સભ્યો હાલ મેમ્બર્સ પાવર્સ પેનલમાંથી લડી રહ્યા છે. અા બાબત દર્શાવે છે તેઅો ક્લબમાં પોતાનું રાજકીય વર્ચસ્વ ધરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મેમ્બર્સ ફ્રિડમ પેનલના અાક્ષેપોને ફગાવતા મેમ્બર્સ પાવર પેનલના કમલેશ સી. શાહે જણાવ્યું હતું કે ઈ-વોટિંગ અંગેનો નિર્ણય કંપની એક્ટ મુજબ થાય છે. મેમ્બર્સ ફ્રિડમ પેનલના નિમેશભાઇના પરિવારજનોએ પણ ક્લબમાં વર્ષો સુધી વર્ચસ્વ જમાવેલું હતું. અને રાજકીય ક્ષેત્રે પણ તેમનું જે તે સમયે વર્ચસ્વ હતું.

You might also like